
સામાન્ય રીતે દારૂની દુકાન પર માણસોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ જો અચાનક કોઈ વાંદરી ત્યાં પહોંચી જાય તો દ્રશ્ય કેવું હશે? કંઈક આવી જ ઘટનાનો એક વીડિયો (Video) અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ઝારખંડની રાજધાની રાંચીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જણાવાયું છે કે, અહીં એક વાંદરી અચાનક દારૂની દુકાનમાં ઘૂસી ગઈ અને જોતજોતામાં દારૂની આખી બોટલ ગટગટાવી ગઈ. આ પછી તેણે દુકાનમાં એવો હોબાળો મચાવ્યો કે, કર્મચારીઓના પણ હોશ ઊડી ગયા.
આ મામલો રાંચીના ઓરમાંઝી વિસ્તારના બ્લોક ચોક સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સની દારૂની દુકાનનો હોવાનું કહેવાય છે. આ ઘટના શુક્રવારે 25 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 7 વાગ્યાની છે. દુકાનમાં તે સમયે કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે જ એક વાંદરી અચાનક કાઉન્ટરની અંદર પહોંચી ગઈ.
જણાવાઈ રહ્યું છે કે, વાંદરીએ દુકાનમાં રાખેલી દારૂની બોટલોમાંથી ‘મેજિક મોમેન્ટ્સ’ની એક ક્વાર્ટર બોટલ ઉપાડી લીધી. આ પછી તેણે આખી બોટલ પી લીધી. દારૂ પીધાના થોડીવાર પછી તેની અસર પણ દેખાવા લાગી. ત્યારબાદ વાંદરી દુકાનના ફ્લોર પર જ બેભાન થઈને પડી ગઈ.
થોડા સમય પછી જ્યારે તેને ભાન આવ્યું તો તેનું વર્તન પૂરેપૂરું બદલાઈ ગયું. તે દુકાનમાં આમ-તેમ ફરવા લાગી અને ત્યાં રાખેલી દારૂની બોટલોને નીચે પાડવા લાગી. કર્મચારીઓએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ વાંદરી વધુ ઉગ્ર થઈ ગઈ.
આ દરમિયાન તેણે દુકાનના એક કર્મચારીને બચકું ભરી લીધું. આ પછી દુકાનમાં હાજર લોકો વચ્ચે દોડધામ મચી ગઈ. કોઈક રીતે કર્મચારીઓએ પોતાને તેનાથી દૂર કર્યા અને પોલીસને જાણ કરી.