
પાણીમાં ડૂબતી કારમાંથી બચવા માટેની દરેક સેકન્ડ મહત્ત્વપૂર્ણ હોય છે. ગભરાશો નહીં, સીટ બેલ્ટ ખોલો અને શક્ય હોય તો તરત બારીમાંથી બહાર નીકળો. ઇમરજન્સી માટે કારમાં વિન્ડો-બ્રેકર રાખવું જીવન બચાવી શકે છે. આવી પરિસ્થિતિમાં ગભરાવાને બદલે સૌથી પહેલાં શાંત રહેવાનો પ્રયાસ કરો અને તરત જ તમારી સીટ બેલ્ટ ખોલી નાખો. કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં સમય બગાડવો નહીં, કારણ કે કારની અંદર અને બહારના પાણીના દબાણમાં તફાવત હોવાને કારણે દરવાજો ખોલવો ખૂબ મુશ્કેલ બની શકે છે.
સૌથી પહેલાં પાવર સ્વિચની મદદથી કારની બારી નીચે કરવાનો પ્રયાસ કરો. કાર પાણીમાં પડતાં જ તેની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તરત જ બંધ થઈ જાય એવું જરૂરી નથી. તેથી શરૂઆતની થોડી ક્ષણો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જો બારી ન ખૂલે, તો કાચ તોડવા માટે બનાવવામાં આવેલા ખાસ ઇમરજન્સી ટૂલનો ઉપયોગ કરવો. બારીના કાચને તોડવો પડે તો શક્ય હોય ત્યાં સુધી બાજુની બારીને નિશાન બનાવો. વિન્ડશિલ્ડ સામાન્ય રીતે વધુ મજબૂત હોય છે અને તેને તોડવું મુશ્કેલ બની શકે છે.
એકવાર બારી ખુલી જાય અથવા તૂટી જાય, પછી સમય બગાડ્યા વિના કારમાંથી બહાર નીકળો અને પાણીની સપાટી તરફ જવાનો પ્રયાસ કરો. બહાર નીકળતી વખતે આસપાસની પરિસ્થિતિનું ધ્યાન રાખો અને શક્ય હોય તો સલામત દિશામાં તરતા રહો. જો બારી ખોલવી કે તોડવી શક્ય ન બને, તો કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી રાહ જોવી જોખમી છે.
પાણીનું દબાણ સરખું થાય ત્યારે દરવાજો ખોલવો શક્ય બની શકે છે. પરંતુ આ છેલ્લો અને અત્યંત જોખમી વિકલ્પ છે. યાદ રાખો કે પાણીમાં ડૂબતી કારમાંથી બચવા માટે ઝડપથી નિર્ણય લેવો, સીટ બેલ્ટ ખોલવી અને બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારમાં ઇમરજન્સી વિન્ડો-બ્રેકર રાખવું પણ જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો YouTube પર @nitishrajputshorts દ્વારા શેર કરવામાં આવ્યો છે.