130 ની સ્પીડ, સામે પાટા પર ‘ગજરાજ’… ફોરેસ્ટ ગાર્ડના એક ઈશારે થંભી રાજધાની એક્સપ્રેસ, ટળ્યો મોટો અકસ્માત

આસામના હોજાઈમાં વન વિભાગના કર્મચારીઓની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી છે. પાટા પરથી પસાર થઈ રહેલા હાથીઓના ઝુંડને જોઈ ગાર્ડે તરત સિગ્નલ આપીને હાઈ-સ્પીડ રાજધાની એક્સપ્રેસને રોકાવી દીધી હતી.

130 ની સ્પીડ, સામે પાટા પર ગજરાજ... ફોરેસ્ટ ગાર્ડના એક ઈશારે થંભી રાજધાની એક્સપ્રેસ, ટળ્યો મોટો અકસ્માત
| Updated on: Aug 19, 2026 | 9:45 PM

આસામના હોજાઈ જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓની સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે. રેલવે ટ્રેક પર જ્યારે હાઈ-સ્પીડ ડાઉન રાજધાની એક્સપ્રેસ પૂરઝડપે દોડી રહી હતી, ત્યારે અચાનક પાટા પરથી હાથીઓનું એક મોટું ઝુંડ પસાર થવા લાગ્યું હતું. ફોરેસ્ટ ગાર્ડે પલકવારમાં જ લોકો પાયલટને સિગ્નલ આપીને એલર્ટ કર્યો અને રેલવે કંટ્રોલ રૂમને જાણ કરી, જેના પગલે ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી લેવામાં આવી હતી.

માનવીય સતર્કતા અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતાનું એક અદ્ભુત ઉદાહરણ આસામના હોજાઈ જિલ્લામાંથી સામે આવ્યું છે. સામાન્ય રીતે રેલવે ટ્રેક પર વન્યજીવોના અકસ્માતના સમાચારો ચિંતા ઉપજાવતા હોય છે, ત્યારે નગાંવ સાઉથ ડિવિઝનના લંકા રેન્જમાં એક અત્યંત ગંભીર અકસ્માત થતાં અટકી ગયો હતો.

બુધવારે સવારે રાબેતા મુજબ અસમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાર્ડ્સ રેલવે ટ્રેક અને એલિફન્ટ કોરિડોરની સુરક્ષાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન કિલોમીટર નંબર 167/8 પાસે ગાઢ જંગલમાંથી નીકળીને હાથીઓનું એક મોટું ઝુંડ રેલવે ટ્રેક પાર કરવા લાગ્યું હતું. બરાબર એ જ સમયે તે જ પાટા પર તેજ ગતિએ ડાઉન રાજધાની એક્સપ્રેસ આવી રહી હતી.

જો ટ્રેન તેની સ્પીડમાં આગળ વધી હોત તો પરિણામ અત્યંત ભયાનક અને દર્દનાક આવી શક્યું હોત. જોકે, ઓન-ડ્યુટી વનકર્મીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ એક્શન લીધા હતા. તેમણે ટ્રેક પાસેથી લોકો પાયલટને જોખમનો ઈશારો કર્યો અને સાથે જ લુમડિંગ રેલવે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો. લોકો પાયલટની સૂઝબૂઝ અને કંટ્રોલ રૂમના તાત્કાલિક સંકલનને કારણે રાજધાની એક્સપ્રેસ હાથીઓના ઝુંડથી થોડા અંતરે સુરક્ષિત રીતે ઊભી રહી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફોરેસ્ટ ગાર્ડ હાથમાં ટોર્ચ લઈને ટ્રેનને ધીમી પાડવાનો ઈશારો કરતા અને બીજી તરફ હાથીઓનો પરિવાર આરામથી ટ્રેક ઓળંગતો સ્પષ્ટ દેખાય છે.

જુઓ Video

વનકર્મીઓની ચારેય તરફ પ્રશંસા

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં આસામના વન મંત્રી જયંત મલ્લા બરુઆએ વનકર્મીઓ, લોકો પાયલટ અને લુમડિંગ રેલવે કંટ્રોલ રૂમના અધિકારીઓની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ અણધાર્યો સ્ટોપ માત્ર આપણા પ્રિય ગજરાજોના સુરક્ષિત માર્ગ માટે હતો. આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરીને ગાર્ડ્સની સતર્કતાને બિરદાવી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વનકર્મીઓની ફરજનિષ્ઠાના વખાણ કરી રહ્યા છે.

Trending Video: ગોવિંદાએ પટાયાના ક્લબમાં લગાવ્યા જોરદાર ઠુમકા, 90ના દાયકાના હિટ ગીતો પર કર્યો ડાન્સ-જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.