
તહેવારોની સિઝનમાં જો તમે સોનાના દાગીના ખરીદવા અથવા જૂના દાગીના એક્સચેન્જ કરાવવાનું વિચારી રહ્યા છો, તો સાવચેતી રાખવી જરૂરી છે. માલાબાર ગોલ્ડના શોરૂમમાં સોનાની શુદ્ધતા તપાસવા અંગે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંપની પર 22 કેરેટના સોનાના દાગીનાને 20 કેરેટ ગણાવીને તેની ઓછી કિંમત આંકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બિલાસપુરના એક ગ્રાહક સ્થાનિક પરંપરાગત જ્વેલર પાસેથી ખરીદેલા હોલમાર્કવાળા 22 કેરેટના સોનાના દાગીના માલાબાર ગોલ્ડના શોરૂમમાં એક્સચેન્જ કરાવવા લઈ ગયા હતો. શોરૂમમાં XRF મશીન દ્વારા તપાસ દરમિયાન દાગીનાની શુદ્ધતા 22 કેરેટને બદલે 20 કેરેટ હોવાનું જણાવવામાં આવ્યું હોવાનો દાવો છે.
ગ્રાહકે દાગીના પરના હોલમાર્ક અને HUID નંબરની તપાસ કરવાની માંગ કરી હોવા છતાં સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો પણ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગ્રાહકે પોતાના જૂના જ્વેલરનો સંપર્ક કર્યો હતો. દાગીનાની ફરી તપાસ કરાવતાં તે 22 કેરેટના હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મામલાની જાણ થતાં સરાફા એસોસિયેશનના હોદ્દેદારો શોરૂમ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. વેપારીઓની હાજરીમાં ફરી તપાસ કરવામાં આવી ત્યારે પણ દાગીનાને 20 કેરેટ ગણાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ મશીનની ટેકનિકલ તપાસ અને સેટિંગમાં ફેરફાર કર્યા પછી એ જ દાગીનો 22 કેરેટનો હોવાનું દર્શાવાયું હોવાનો દાવો છે. આ ઘટનાને પગલે સોનાની શુદ્ધતા તપાસવાની પ્રક્રિયા અને XRF મશીનની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થાય છે.
જોકે, આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ અને કંપનીનો સત્તાવાર પક્ષ સામે આવ્યા વિના તેને સાબિત થયેલી છેતરપિંડી ગણવી યોગ્ય નથી. આ સમગ્ર ઘટના છત્તીસગઢના બિલાસપુર માલાબાર ગોલ્ડના શોરૂમની કહેવામાં આવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે શું આ ઘટના માત્ર બિલાસપુર પૂરતી મર્યાદિત છે કે અન્ય શહેરોમાં પણ આવી ફરિયાદો સામે આવી છે?