
આજકાલ ઇન્ટરનેટની દુનિયામાં એક એવો ટ્રેન્ડ છવાયેલો છે, જેણે લોકોને સીધા 40 વર્ષ પાછળ ધકેલી દીધા છે. મજાની વાત એ છે કે આ ટ્રેન્ડ માત્ર યુવા પેઢી (Gen-Z) પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ મોટા-મોટા રાજકારણીઓ પણ આમાં હોંશે-હોંશે જોડાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અત્યારે 1980 ના દાયકા (80s) નો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. આમાં લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી પોતાની હાલની તસવીરોને જૂના જમાનાના અંદાજમાં બદલી રહ્યા છે. આ કોઈ સામાન્ય ફિલ્ટર નથી. અહીં ChatGPT ની મદદથી તસવીરોને નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
આ ટ્રેન્ડમાં તસવીરોને 80 ના દાયકાના પહેરવેશ, હેરસ્ટાઇલ, ઘરેણાં, બેકગ્રાઉન્ડ અને ખાસ કેમેરા ઇફેક્ટ (જેવી કે હળવો ભૂરો રંગ અને ફિલ્મ જેવી દાણાદાર ઇફેક્ટ) આપીને એવો લુક આપવામાં આવે છે, જાણે કે ફોટો દાયકાઓ જૂનો હોય. સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી અનુપમા પરમેશ્વરન અને કલ્યાણી પ્રિયદર્શન જેવી હસ્તીઓએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે, ત્યારબાદ સામાન્ય યુઝર્સ પણ ઇન્સ્ટાગ્રામ પર “Add Yours” સ્ટીકર દ્વારા પોતાના રેટ્રો પોર્ટ્રેટ્સ શેર કરી રહ્યા છે.
આમાં 1980 ના દાયકાની ભારતીય સ્ટાઇલ, મોટા અને ઘાટા વાળ, રંગીન સાડીઓ, ભારે દાગીના, શર્ટને પેન્ટમાં ટક કરીને પહેરવું અને પરંપરાગત મૂછો આ ટ્રેન્ડને અત્યંત રસપ્રદ બનાવે છે.
જો તમે પણ આ ટ્રેન્ડનો હિસ્સો બનવા માંગતા હોવ, તો આ સરળ સ્ટેપ્સ અનુસરો:
આ ટ્રેન્ડની સૌથી રસપ્રદ બાબત એ છે કે સામાન્ય લોકોની સાથે-સાથે કેન્દ્રીય કક્ષાના નેતાઓ પણ પોતાના રેટ્રો લુક શેર કરી રહ્યા છે. આ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર નેતાઓ હવે માત્ર ગંભીર રાજકીય ચર્ચાઓ જ નથી કરતા, પરંતુ વાયરલ ટ્રેન્ડ્સમાં ભાગ લઈને લોકો સાથે જોડાવવાનો પ્રયાસ પણ કરે છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની એક તસવીર આ ટ્રેન્ડનો હિસ્સો બની છે. આ ફોટોમાં તેઓ ગ્રે કલરનો સૂટ અને સફેદ શર્ટ પહેરેલા જોવા મળે છે. આંખો પર એવિએટર સનગ્લાસિસ સાથે તેમનો આખો લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. ફોટોને પહેલી નજરે જોતાં એવું જ લાગે કે આ કોઈ જૂના ફોટો સ્ટુડિયોમાં પડાવેલી 80 ના દાયકાની અસલી તસવીર છે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ પણ આવી જ AI દ્વારા બનેલી તસવીર શેર કરી છે. તેમણે પોતાના લુક સાથે મજાકિયા અંદાજમાં લખ્યું કે, “આખરે દરેક જણ 80 ના દાયકાની યાદોમાં કેમ પાછા જઈ રહ્યા છે? હવે હું પણ આ ટ્રેન્ડનો હિસ્સો બનવા માટે મજબૂર છું.”
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ આમાં પાછળ ન રહ્યા. તેમણે પોતાનો રેટ્રો લુક શેર કરતાં લખ્યું કે, “જે ટ્રેન્ડમાં જૂની યાદોનો તડકો લાગેલો હોય, તેમાં જોડાવામાં વિલંબ કેવો!”
આમ, AI ના આ જાદુએ સામાન્ય યુઝર્સથી લઈને રાજકારણીઓ સુધી તમામને જૂના જમાનાની મીઠી યાદોમાં ખોવાઈ જવા માટે મજબૂર કરી દીધા છે.