
WhatsAppને ટક્કર આપવા માટે આવેલી સ્વદેશી મેસેજિંગ એપ Arattai શરૂઆતમાં લોકોને ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ હવે આ સ્વદેશી એપનો ક્રેઝ ઓછો થતો જોવા મળી રહ્યો છે. આ એપ ખૂબ જ ઓછા સમયમાં ટોચ પર પહોંચી ગઈ હતી પરંતુ હવે તેનું રેન્કિંગ સતત નીચે આવી રહ્યું છે. Arattai હવે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ટોપ 100 એપ્સની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. લગભગ એક મહિના પહેલા આ એપ લોકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી,પરંતુ હવે ટોપ 100 માંથી બહાર થઈને સ્પષ્ટ થઈ ગયું છે કે આ સ્વદેશી એપ તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે.
Arattai એપ રેન્કિંગ સ્વદેશી મેસેજિંગ એપ Arattai ની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ટોપના 100 એપમાંથી બહાર નીકળી ગઈ છે. શરૂઆતમાં WhatsApp ના હરીફ તરીકે લોન્ચ કરાયેલી આ એપ હવે તેની ચમક ગુમાવી રહી છે, જે Zoho માટે મોટો ફટકો છે.
સ્વદેશી રીતે વિકસાવવાનું વચન આપતી આ એપને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના આત્મનિર્ભર ભારત એજન્ડાના ભાગ રૂપે સ્થાનિક રીતે વિકસિત ઉત્પાદનો અપનાવવા માટે વિનંતી કર્યા પછી લોકપ્રિયતા મળી. રેન્કિંગમાં ઘટાડો Zoho માટે મોટો ફટકો છે, કારણ કે સ્વદેશી એપ WhatsApp અને Telegram જેવી કોમ્યુનિકેશન એપ્સને ટક્કર આપવા આવી હતી.
Arattaiનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ તેમની ગોપનીયતા અંગે ચિંતિત છે કારણ કે આ સ્થાનિક એપ્લિકેશન હાલમાં WhatsApp ની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરતી નથી, પરંતુ કંપની કહે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને એપ્લિકેશનમાં સામેલ કરવામાં આવશે. રેન્કિંગમાં અચાનક ઘટાડા પાછળ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક મુખ્ય કારણ હોય તેવું લાગે છે.
Arattai ગૂગલ પ્લે સ્ટોર રેન્કિંગ
ગૂગલ પ્લે સ્ટોરના ટોપ ચાર્ટમાં Arattaiનું રેન્કિંગ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે, જેના કારણે એપ ટોપ 100માંથી બહાર નીકળી ગઈ છે અને હવે તે 110મા ક્રમે છે. કોમ્યુનિકેશન કેટેગરીમાં, એપ 7મા ક્રમે આવી ગઈ છે.
Arattai એપ સ્ટોર રેન્કિંગ
બીજી તરફ, એપલ એપ સ્ટોરમાં, આ એપ ટોપના ચાર્ટમાં 123માં ક્રમે અને સોશિયલ નેટવર્કિંગ કેટેગરીમાં 8માં ક્રમે પહોંચી ગઈ છે. ટેક્સ્ટ મેસેજિંગ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઉમેરાયા પછી એપના રેન્કિંગમાં સુધારો થવાની અપેક્ષા છે.