સાયબર ક્રાઈમ કરનારાઓની નજર લોકોના બેંક ખાતા પર હોય છે. તમારી એક નાની ભૂલથી મહેનતની કમાણી થોડી જ વારમાં ચોરાઈ જાય છે. ઘણી વખત લોકોની ભૂલ ન હોય તો પણ ફ્રોડ થઈ જાય છે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો તમે નિયત સમય મર્યાદામાંન ફરિયાદ નોંધાવો છો, તો તમને 10 દિવસની અંદર છેતરપિંડી કરાયેલા રૂપિયા પરત મળી જશે.
અહીં મહત્વની વાત એ છે કે, બેંકમાંથી ફ્રોડ થયેલા રૂપિયા ફક્ત ત્યારે જ પરત મળે છે, જો છેતરપિંડી દરમિયાન તમારા દ્વારા કોઈ બેદરકારી થઈ હોય નહીં. જો સ્કેમર્સ તમને લાલચ આપીને OTP માંગે છે અને પછી રૂપિયા ઉપાડે છે, તો આવી સ્થિતિમાં બેંક તમને રૂપિયા પરત કરશે નહીં. આ ઉપરાંત જો તમે તમારા ડેબિટ કાર્ડનો પિન નંબર કોઈની સાથે શેર કરો છો, તો બેંક તમને કોઈ રકમ પરત આપશે નહીં.
જો ફ્રોડ થયાના 3 દિવસની અંદર ફરિયાદ કરો છો, તો તમને 100 ટકા રકમ પરત મળશે. જો બેંકિંગ સિસ્ટમમા ખામી અથવા ફ્રોડના કારણે તમારા બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો 3 દિવસમાં બેંકમાં ફરિયાદ કરો. જો તમે 3 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, તો બેંક તમારા બધા જ રૂપિયા 10 દિવસમાં પરત કરી દેશે.
જો તમે છેતરપિંડીના 3 દિવસથી વધારે એટલે કે, 4 થી 7 દિવસમાં ફરિયાદ નોંધાવો છો, આરબીઆઈએ આપેલા નિર્દેશ મૂજબ 25,000 રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે. તમારી સાથે થયેલા ફ્રોડની વધારાની રકમ તમે પરત મેળવી શકો છો. પરંતુ તેના માટે ઘણી શરતો પણ છે. જેના વિશે તમને બેંકમાંથી સંપૂર્ણ માહિતી મળશે.
આ પણ વાંચો : AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય
જો તમે 7 દિવસ બાદ ફરિયાદ કરો છો તો ગમે તેટલી રકમની છેતરપિંડી થઈ હોય તમને 10,000 રૂપિયા જ પરત મળી શકે છે. જો તમે છેતરપિંડી દ્વારા તમારા પૈસા ઉપાડ્યાના 7 દિવસ પછી ફરિયાદ કરો છો, તો બેંકમાં છેતરપિંડી માટે રચાયેલ બોર્ડની બેઠક અને તેના અંતિમ નિર્ણય પછી જ રૂપિયા પરત મળે છે. જો આ કેસ સાયબર ક્રાઈમ સાથે સંબંધિત હોય તો પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો