
WhatsApp ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ પર અનેક નવા ફીચર્સ અને મોટા ફેરફારો લાવી શકે છે. કંપનીના નવા વડા કુણાલ શાહે ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કંપનીનું ધ્યાન ત્રણ મહત્વની બાબતો પર કેન્દ્રિત છે: મેસેજિંગ અનુભવને બહેતર બનાવવો, રોજિંદા કાર્યોને સરળ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવો. એટલે કે આગામી સમયમાં યુઝર્સને વધુ સારા વોઇસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકર્સ અને વીડિયો સંબંધિત ફીચર્સ મળી શકે છે. આ ઉપરાંત WhatsApp દ્વારા બિલ ભરવું, લોન લેવી અને પ્રવાસ દરમિયાન મોબાઇલ સેવાઓનો ઉપયોગ કરવો પણ વધુ સરળ બની શકે છે.
WhatsApp ના વડા કુણાલ શાહે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા કંપનીના ભાવિ આયોજનની રૂપરેખા શેર કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીએ એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે યુઝર્સ આ મેસેજિંગ એપ પાસેથી વાસ્તવમાં શું અપેક્ષા રાખે છે. તેના આધારે જ WhatsApp માં ઘણા સુધારા કરવામાં આવશે.
કુણાલ શાહના જણાવ્યા અનુસાર, WhatsApp પર દરરોજ 10 અબજથી વધુ વોઇસ મેસેજ મોકલવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સ દરરોજ 4 અબજથી વધુ સ્ટીકર્સ પણ શેર કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કંપની વોઇસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકર્સ અને વીડિયોના ઉપયોગને પહેલાં કરતાં વધુ સરળ અને સુવિધાજનક બનાવવા પર કામ કરી રહી છે.
કંપનીનું બીજું મોટું લક્ષ્ય WhatsApp દ્વારા દૈનિક જરૂરિયાતોને સરળ બનાવવાનું છે. આ માટે કંપની બેંકિંગ અને ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આગામી સમયમાં યુઝર્સ WhatsApp એપની બહાર ગયા વગર જ વીજળી-પાણીના બિલ ભરી શકશે, નાણાં ઉધાર (લોન) લેવા જેવી સેવાઓનો લાભ મેળવી શકશે અને વિદેશ પ્રવાસ દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટીને લગતાં કામો પૂર્ણ કરી શકશે. જોકે, આ સેવાઓ ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ હજુ જાહેર કરાઈ નથી.
WhatsApp હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ પણ વ્યાપક બનાવવા માગે છે. કંપની એવી સુવિધાઓ પર કામ કરી રહી છે, જેની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબની માહિતી સરળતાથી શોધી શકશે. આ સિવાય બુકિંગ, એપોઇન્ટમેન્ટ અને મહત્વપૂર્ણ કામો યાદ રાખવામાં પણ AI મદદરૂપ સાબિત થઈ શકે છે.
કુણાલ શાહે જણાવ્યું કે WhatsApp પર દરરોજ 100 અબજથી વધુ મેસેજ મોકલવામાં આવે છે અને 2 અબજથી વધુ વોઇસ તેમજ વીડિયો કોલ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે નવા આધુનિક ફીચર્સ આવ્યા પછી પણ યુઝર્સના ખાનગી મેસેજ અને કોલ્સની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. WhatsApp પર મેસેજ અને કોલ્સ અગાઉની જેમ જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે સંપૂર્ણ સુરક્ષિત રહેશે.
ઉલ્લેખનીય છે કે કુણાલ શાહે આ જ વર્ષે જૂન મહિનામાં વિલ કેથકાર્ટની જગ્યાએ WhatsApp ની કમાન સંભાળી હતી. તેઓ ભારતીય ફિનટેક કંપની CRED ના ફાઉન્ડર પણ રહી ચૂક્યા છે.