
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) OTP (વન ટાઈમ પાસવર્ડ) ને લઈને અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવા સંજોગોમાં શક્ય છે કે આગામી દિવસોમાં જ્યારે તમારા ફોન પર કોઈ OTP આવે, ત્યારે તે તમને સીધો નોટિફિકેશન સ્ક્રીન પર ન દેખાય. આ માટે તમારે મેસેજિંગ એપ ખોલીને અંદર જઈને જ મેસેજ ચેક કરવો પડશે. આ ઉપરાંત ઓટીપી મોકલવા માટેનું એક ચોક્કસ સ્ટાન્ડર્ડ ફોર્મેટ પણ નક્કી કરવામાં આવી શકે છે.
સામાન્ય રીતે જ્યારે લોકોના ફોન પર OTP આવે છે, ત્યારે મોટાભાગના લોકો આખો મેસેજ વાંચવાને બદલે માત્ર આંકડાઓ જોઈને આગળ વધી જાય છે. સાયબર ઠગ પણ તમારી આ જ ઉતાવળ અને બેદરકારીનો લાભ લઈને આર્થિક છેતરપિંડીને અંજામ આપે છે. આ ફ્રોડ રોકવા માટે TRAI એક નવું ફોર્મેટ લાવવાની કવાયત કરી રહ્યું છે, જેથી અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત સામાન્ય યૂઝર્સ સરળતાથી ઓળખી શકે. એક સમાન માળખું હોવાથી લોકોને એ સમજવામાં સરળતા રહેશે કે કયો મેસેજ કાયદેસર છે અને કયો કોઈ છેતરપિંડી કરનારનો છે.
TRAI અને અન્ય સુરક્ષા એજન્સીઓ સમયાંતરે આવી નવી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકતી રહેશે, પરંતુ આખરે સૌથી મહત્વની બાબત યૂઝર્સની વ્યક્તિગત જાગૃતિ છે:
અહેવાલો અનુસાર, ગૃહ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વર્ષ 2021 માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આશરે 2.62 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે વર્ષ 2025 સુધીમાં ઉછળીને 24.02 લાખ પર પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ઓનલાઇન છેતરપિંડીમાં ફસાયેલી રકમ પણ ₹551 કરોડથી સીધી વધીને ₹22,495 કરોડ પર પહોંચી ગઈ છે. આ આંકડા તમામ પ્રકારના ઓનલાઈન ફ્રોડના છે, પરંતુ OTP જેવી પાયાની પ્રક્રિયામાં સુધારો લાવીને મોટા સાયબર ગુનાઓ અટકાવી શકાય છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ફોર્મેટ બદલવાથી રાતોરાત જાદુ નહીં થઈ જાય, કારણ કે નવું માળખું આવશે એટલે ઠગ પણ પોતાની છેતરપિંડીની રીત બદલશે. આજકાલ ગુનેગારો સામાન્ય SMS ઉપરાંત વોટ્સએપ જેવી એપ્સનો પણ સહારો લઈ રહ્યા છે. તેમ છતાં, નોટિફિકેશનમાં OTP ન દેખાવવો અને યૂઝરને મેસેજ વાંચવા પ્રેરિત કરવાથી જાગૃતિના સ્તરે નોંધપાત્ર સકારાત્મક ફેરફાર ચોક્કસ જોવા મળશે.