
આજના સમયમાં, સ્માર્ટફોન ફક્ત કોલિંગ અથવા મેસેજિંગ માટેનું સાધન નથી રહ્યું.પરંતુ તે આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બેંકિંગથી લઈને મનોરંજન અને ઓફિસના કામ સુધી, લગભગ દરેક કામ સ્માર્ટફોન પર કરવામાં આવે છે. આ જ કારણ છે કે આપણે દિવસ દરમિયાન ઘણી વખત આપણા ફોનને અનલોક કરીએ છે અને તેની સ્ક્રીનને સ્પર્શ કરીએ છે. સતત ઉપયોગને કારણે સ્ક્રીનની ચમક અને સ્મૂથનેસ ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
ઘણા લોકો માને છે કે આ બદલાવ માત્ર લાંબા સમય સુધી ઉપયોગને કારણે થાય છે. પરંતુ તેની પાછળ આપણી કેટલીક ખોટી આદતો પણ જવાબદાર હોય છે. ખાસ કરીને સ્ક્રીન સાફ કરવાની ખોટી રીત ફોનની સુરક્ષા પર અસર કરી શકે છે.
ફેક્ટરીમાંથી સ્માર્ટફોનના ડિસ્પ્લે પર ઓલિઓફોબિક કોટિંગ નામનું ખૂબ જ પાતળું અને પારદર્શક સ્તર લગાવવામાં આવે છે. આ કોટિંગ ફિંગરપ્રિન્ટ્સ, તેલ અને ધૂળથી સ્ક્રીનને રક્ષણ આપે છે. આને કારણે આંગળી નવી સ્ક્રીન પર સરળતાથી સ્લાઇડ થાય છે અને ફોનનો ઉપયોગ કરવાનો અનુભવ ઘણો સરળ લાગે છે. તે સ્ક્રીનને સાફ કરવાનું પણ સરળ બનાવે છે. હળવા કપડાથી સાફ કરવાથી સ્ક્રીન ઝડપથી સાફ થાય છે અને ડાઘ ઓછા દેખાય છે.
ઘણા લોકો દિવસમાં શર્ટ, રૂમાલ, ટિશ્યૂ પેપર અથવા કોઈપણ કપડાથી સ્ક્રીનને જોરથી ઘસીને સાફ કરે છે. કેટલાક લોકો સ્ક્રીન સાફ કરવા માટે કેમિકલવાળા ક્લીનરનો પણ ઉપયોગ કરે છે. આવી આદતોને કારણે સ્ક્રીન પરની ઓલિયોફોબિક કોટિંગ ધીમે-ધીમે ઘસાઈ જાય છે. જ્યારે આ પરત ખરાબ થઈ જાય છે ત્યારે સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટ વધુ દેખાવા લાગે છે. ડિસ્પ્લે પહેલાની જેમ સ્મૂથ લાગતી નથી. સ્ક્રીન ઝડપથી ગંદી થઈ જાય છે.
જો તમે ઈચ્છો છો કે તમારા ફોનની સ્ક્રીન લાંબા સમય સુધી સારી રહે, તો તેને સાફ કરવા માટે હંમેશા માઇક્રોફાઇબર કપડું વાપરવું જોઈએ. કેમિકલવાળા ક્લીનરનો ઉપયોગ ટાળવો જોઈએ. જરૂર પડે ત્યારે માત્ર સ્ક્રીન માટે બનાવેલા સુરક્ષિત ક્લીનિંગ સોલ્યુશનનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત સારી ગુણવત્તાનું ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીન પ્રોટેક્ટર લગાવવું લાભદાયી છે. તેનાથી સ્ક્રીન પર સીધો ઘસારો પડતો નથી. ઓલિયોફોબિક કોટિંગ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. થોડી સાવચેતી રાખીને તમે તમારા સ્માર્ટફોનની સ્ક્રીનની સ્મૂથનેસ, ચમક અને ટચ રિસ્પોન્સ લાંબા સમય સુધી જાળવી શકો છો.