મુકેશ અંબાણીએ કહ્યું કે આ AI પ્લેટફોર્મ સંપૂર્ણપણે ભારતમાં ડેવલપ કરવામાં આવશે અને તેનો મુખ્ય હેતુ AI ટેક્નોલોજીને સરળ, સસ્તી અને સર્વસુલભ બનાવવાનો છે. લોકો તેમના મોબાઇલ ફોન અથવા અન્ય ડિજિટલ ઉપકરણો મારફતે પોતાની માતૃભાષામાં AI સેવાઓનો ઉપયોગ કરી શકશે. શરૂઆતમાં આ પ્લેટફોર્મ ગુજરાતમાં લોન્ચ થશે અને બાદમાં સમગ્ર દેશમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.
અંબાણીએ સ્પષ્ટ કર્યું કે Jioનો ઉદ્દેશ AIને મોંઘું કે જટિલ બનાવવાનો નથી, પરંતુ દરેક ભારતીય સુધી તેને પહોંચાડવાનો છે. આ દિશામાં, ગુજરાતના જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે દેશમાં AI આધારિત સેવાઓ માટે મજબૂત આધાર પૂરો પાડશે.
પોતાના સંબોધનમાં તેમણે ગુજરાતને ભારતનું AI હબ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યના વિકાસ સાથે-સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશોના સર્વાંગી વિકાસને પણ વેગ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા અંબાણીએ કહ્યું કે તેમના વિઝને ભારતના આગામી 50 વર્ષોની દિશા નક્કી કરી છે. તેમણે ગુજરાતને રિલાયન્સ માટે ફક્ત એક રાજ્ય નહીં, પરંતુ કંપનીનું હૃદય, આત્મા અને ઓળખ ગણાવ્યું.
ગુજરાત માટે રિલાયન્સની 5 મોટી જાહેરાતો
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રાજ્યમાં ₹3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં આ આંકડો વધારીને ₹7 લાખ કરોડ સુધી પહોંચાડવાની યોજના છે.
- સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે ઓળખ આપવા માટે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું સંકલિત ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં સૌર ઉર્જા, બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન ખાતરો, ટકાઉ ઇંધણ અને અદ્યતન સામગ્રીનો સમાવેશ થાય છે.
- કચ્છ જિલ્લામાં મલ્ટી-ગીગાવોટ સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ્સમાંનો એક હશે અને 24×7 સ્વચ્છ વીજળી પુરું પાડશે.
- દરેક ભારતીય સુધી ટેક્નોલોજી પહોંચાડવાના ઉદ્દેશ સાથે, Jioનું લોકો-પ્રથમ AI પ્લેટફોર્મ ભાષા અને ઉપકરણ સંબંધિત અવરોધોને દૂર કરીને AIને સામાન્ય લોકો સુધી પહોંચાડશે.
- આ ઉપરાંત, રિલાયન્સ રમતગમત, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર સાથે સહયોગ કરશે. નારણપુરામાં વીર સાવરકર મલ્ટીસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન, જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલ અને શૈક્ષણિક સુવિધાઓનો વિસ્તાર તેમજ 2036 ઓલિમ્પિક્સ માટેના પ્રયાસોમાં રિલાયન્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.