એક નાની ભૂલ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ ! નકલી વેબસાઇટ અને એપ ઓળખવાની સરળ રીત જાણો

આજના ડિજિટલ યુગમાં નકલી વેબસાઇટ્સ અને એપ્સ દ્વારા થતી સાયબર છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં થોડી સાવધાની રાખવાથી તમે આર્થિક નુકસાનથી બચી શકો છો. તેથી, કોઈપણ વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરતાં પહેલાં તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે.

એક નાની ભૂલ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ ! નકલી વેબસાઇટ અને એપ ઓળખવાની સરળ રીત જાણો
Fake or Real Website Identify
| Updated on: Jul 05, 2026 | 9:47 AM

ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. લોકો દરરોજ ઓનલાઇન શોપિંગ, ડિજિટલ બેંકિંગ અને સરકારી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સાયબર ગુનેગારો હવે નકલી વેબસાઇટ્સ બનાવી રહ્યા છે જે લોકોને છેતરવા માટે વાસ્તવિક વેબસાઇટ અને એપ જેવી જ લાગે છે. આવી સ્થિતિમાં થોડી સાવધાની તમને મોટા નાણાકીય નુકસાન અને વ્યક્તિગત માહિતીની ચોરીથી બચાવી શકે છે. PIB ફેક્ટ ચેકે આવી નકલી વેબસાઇટ્સને ઓળખવા માટે કેટલીક સરળ અને મહત્વપૂર્ણ રીતો બતાવી છે.

સૌથી પહેલા વેબસાઇટની URL તપાસવી

કોઈપણ વેબસાઇટ ખોલતા પહેલા તેનું વેબ એડ્રેસ એટલે કે તેની URLની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. સુરક્ષિત વેબસાઇટ્સ સામાન્ય રીતે https:// થી શરૂ થાય છે. જો તમને વેબસાઇટના નામમાં સ્પેલિંગની ભૂલ, વધારાના અક્ષરો અથવા કોઈ અસામાન્ય ફેરફાર જોવા મળે તો તેના પર વિશ્વાસ કરવો નહીં. સાયબર ઠગો ઘણી વખત અસલી વેબસાઇટ જેવી દેખાતી નકલી વેબ સાઇટ બનાવી લોકોને છેતરતા હોય છે.

પેડલોક આઇકોન તપાસવું

વેબસાઇટના એડ્રેસ બારમાં દેખાતું પેડલોકનું (તાળા) નિશાન દર્શાવે છે કે વેબસાઇટ સાથેનું કનેક્શન સુરક્ષિત છે. જો આ નિશાન ન દેખાતું હોય તો એવી વેબસાઇટ પર બેંકની વિગતો, પાસવર્ડ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિગત માહિતી દાખલ કરવી નહીં.

પોપ-અપ અને શંકાસ્પદ ઓફરથી સાવધાન રહેવું

નકલી વેબસાઇટ્સ પર ઘણીવાર અસંખ્ય પોપ-અપ અને આકર્ષક ઑફર્સ જોવામાં આવે છે. જેમ કે ફ્રી ગિફ્ટ , લકી ડ્રો અથવા મર્યાદિત સમયની ઑફર્સ. વપરાશકર્તાઓને ઘણીવાર ઝડપથી ક્લિક કરવાનું દબાણ કરવામાં આવે છે. જો તમને આવા સંકેતો મળે તો તરત જ સાવચેત રહો. કારણ કે આ એક પ્રકારનું સ્કેમ હોઈ શકે છે.

વેબસાઇટ વિશેની માહિતી પણ તપાસો

કોઈપણ વિશ્વસનીય વેબસાઇટમાં About Us અને Contact Us સેક્શન હોય છે. આ સેક્શન કંપનીનું સરનામું, ઇ-મેઇલ અને ફોન નંબર જેવી માહિતી આપે છે. જો આ માહિતી અધૂરી હોય તો એવી વેબસાઇટથી દૂર રહેવું વધુ સુરક્ષિત હોય છે.

ખોટી ઑફર્સથી બચવું જોઈએ

નિષ્ણાતો કહે છે કે એક-ક્લિક પર નોકરી મેળવો, ફ્રી લેપટોપ અથવા ખૂબ ઓછી કિંમતે મોંઘી વસ્તુઓ જેવી ઑફર્સ ઘણીવાર સ્કેમ હોય છે. આવી આકર્ષક ઑફર્સ પર તાત્કાલિક વિશ્વાસ ન કરવો જોઈએ. આ સરળ સાવચેતીઓ લઈને, તમે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો અને સુરક્ષિત ઈન્ટરનેટ ઉપયોગ સુનિશ્ચિત કરી શકો છો.

આ પણ વાંચો, Breaking News : ગુજરાત બન્યું સેમિકન્ડક્ટરનું કેન્દ્ર, સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર ફેસિલિટીનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ

Follow Us