
સ્માર્ટફોનમાં હવે કૉલિંગ માત્ર મોબાઈલ નેટવર્ક સુધી સીમિત રહ્યું નથી. આજે મોટાભાગના નવા ફોન વાઇ-ફાઇ કૉલિંગ (Wi-Fi Calling) જેવી સુવિધા સાથે આવે છે, જે નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં પણ વધુ સારો કૉલિંગ અનુભવ આપવાનો દાવો કરે છે. જોકે, ઘણા યુઝર્સના મનમાં એ સવાલ રહે છે કે સેલ્યુલર કૉલિંગ (Cellular Calling) અને વાઇ-ફાઇ કૉલિંગમાંથી કયો ઓપ્શન ફોનની બેટરી ઓછી વાપરે છે. આનો જવાબ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે તમારી આસપાસ નેટવર્કની સ્થિતિ કેવી છે.
જો તમારા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મજબૂત છે અને ફોનમાં પૂરા સિગ્નલ મળી રહ્યા છે, તો સામાન્ય સેલ્યુલર કૉલિંગ બેટરી પર વધારે દબાણ લાવતું નથી. આવી સ્થિતિમાં ફોનને નેટવર્ક શોધવા માટે વધારાની મહેનત કરવી પડતી નથી, જેનાથી બેટરીનો વપરાશ નિયંત્રણમાં રહે છે. પરંતુ જો તમે એવી જગ્યાએ છો જ્યાં નેટવર્ક વારંવાર ગાયબ થઈ જાય છે અથવા સિગ્નલ ખૂબ નબળા છે, તો ફોન સતત સારા નેટવર્કની શોધ કરતો રહે છે. આ પ્રોસેસ બેટરીનો વપરાશ વધારી શકે છે.
વાઇ-ફાઇ કૉલિંગ એ એક એવી સુવિધા છે, જેમાં કૉલ મોબાઈલ ટાવરના બદલે ઈન્ટરનેટ દ્વારા થાય છે. એટલે કે જો તમારો ફોન કોઈ સ્ટેબલ વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલો છે, તો કૉલ એ જ નેટવર્ક થ્રૂ પૂરો થાય છે. આ ફીચર ખાસ કરીને ઘર, ઓફિસ કે એવી ઈમારતોમાં ઉપયોગી સાબિત થાય છે, જ્યાં મોબાઈલ સિગ્નલ નબળા હોય છે.
જો તમારી પાસે ફાસ્ટ અને સ્ટેબલ વાઇ-ફાઇ કનેક્શન ઉપલબ્ધ હોય, તો વાઇ-ફાઇ કૉલિંગ સારા કૉલ ક્વોલિટીની સાથે બેટરીની બચત પણ કરી શકે છે, કારણ કે ફોનને વારંવાર મોબાઈલ નેટવર્ક શોધવાની જરૂર પડતી નથી. જોકે, જો વાઇ-ફાઇ નેટવર્ક પોતે જ નબળું હોય કે વારંવાર ડિસકનેક્ટ થતું હોય, તો ફોન સતત વાઇ-ફાઇ અને સેલ્યુલર નેટવર્ક વચ્ચે સ્વિચ થતો રહે છે. આનાથી બેટરી પહેલાં કરતાં પણ વધુ ઝડપથી વપરાઈ શકે છે.