
દેશમાં સતત વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઈન ફ્રોડ સામે કેન્દ્ર સરકારે હવે કમર કસી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એવી વ્યૂહરચના રજૂ કરી છે જે સાયબર ગુનેગારોનો નેટવર્ક તોડવા માટે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ સમાન સાબિત થશે. આ પ્લાન મુજબ, સાયબર ઠગ જે સીમ કાર્ડથી તમને કોલ કરશે, તે સીમ માત્ર 2 થી 3 કલાકમાં જ કાયમ માટે બંધ થઈ જશે.
અત્યાર સુધી સાયબર ગુનેગારો સીમ કાર્ડ બ્લોક થાય ત્યાં સુધીમાં તો અનેક લોકોને લૂંટી લેતા હતા. હવે કેન્દ્ર સરકારે આ સમય ઘટાડીને માત્ર 2 થી 3 કલાક કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત, દેશભરમાં ‘બાયોમેટ્રિક આઈડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમ’ (BIVS) લાગુ થશે, જેનો અર્થ છે કે હવે બનાવટી દસ્તાવેજો પર સીમ લેવું અશક્ય બની જશે.
ડિજિટલ અરેસ્ટમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સએપનો થાય છે. હવે વોટ્સએપે ડિલીટ થયેલા એકાઉન્ટનો ડેટા પણ 180 દિવસ સુધી સાચવવો પડશે. નવા ‘સીમ બાઈન્ડિંગ’ ફીચરથી ઠગબાજો નવો નંબર બદલીને ફરીથી એકાઉન્ટ બનાવી શકશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ડિવાઈસનો ઉપયોગ ફ્રોડ માટે થયો હશે, તો આખું ડિવાઈસ જ આઈડીથી બ્લોક કરી દેવાશે.
રિઝર્વ બેંક (RBI) એ નવી SOP તૈયાર કરી છે જે મુજબ શંકાસ્પદ ખાતાઓમાં ‘ડેબિટ ફ્રીઝ’ તરત જ અમલી બનશે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે વધારાના ઓથેન્ટિકેશન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સમય આધારિત વિલંબ (Lagged Credit) જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે, જેથી ઠગાઈનો ભોગ બનતા બચી શકાય.
કેન્દ્ર સરકારના આ 17 મુદ્દાઓના એક્શન પ્લાનથી હવે સાયબર માફિયાઓ માટે બચવું મુશ્કેલ બનશે. આ સિસ્ટમ અમલી બનતા જ સાયબર ગુનાખોરીના ગ્રાફમાં મોટો ઘટાડો આવવાની પૂરી સંભાવના છે.