Wimbledon Open 2022: રાફેલ નડાલે ટેલર ફ્રિટ્ઝને હરાવી વિમ્બલ્ડન ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચ્યો, જાણો શું થયું આ રોમાંચક મેચમાં
Tennis : બીજા સેટમાં રાફેલ નડાલે ફરીથી શરૂઆતી સરસાઈ મેળવી અને ફ્રિટ્ઝની સર્વને તોડી દીધી. પરંતુ નડાલ શારીરિક રીતે સંઘર્ષ કરવા લાગ્યો. પેટની સમસ્યાને કારણે નડાલે ટૂંક સમયમાં જ મેડિકલ ટાઈમ-આઉટ માટે કોર્ટ છોડી દીધું હતું.
સ્પેનિશ ટેનિસ દિગ્ગજ રાફેલ નડાલ (Rafael Nadal) એ બુધવારે અહીં ચાર કલાક અને 20 મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં ટેલર ફ્રિટ્ઝને પાંચ સેટમાં હરાવીને વિમ્બલડન 2022 (Wimbledon 2022) ની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રાફેલ નડાલે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10-4) થી જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. હવે સેમિ ફાઇનલમાં નડાલનો સામનો નિક કિર્ગિઓસ સાથે થશે. કિર્ગિઓસે ક્વાર્ટર ફાઇનલમાં ચિલીના ક્રિસ્ટિયન ગેરિનને 6-4, 6-3, 7-6 (5) થી હરાવ્યો હતો. કિર્ગિઓસ મોટાભાગે રાફેલ નડાલની ટીકા કરતા હતા અને તેમને આશા હતી કે તે એક દિવસ નડાલનો સામનો કરવા માંગે છે અને તેની ઈચ્છા પૂરી થશે. મહત્વનું છે કે કિર્ગિઓસ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની સેમિ ફાઈનલમાં પહોંચ્યો છે.
જાણો, નડાલની મેચનો હાલ
રાફેલ નડાલે પણ આ મેચમાં પોતાની મજબૂત માનસિક સ્થિતિ દર્શાવી હતી. નડાલ એક સમયે પ્રથમ સેટમાં 3-1થી આગળ હતો. પરંતુ ફ્રિટ્ઝે સળંગ પાંચ ગેમ જીત્યા બાદ વાપસી કરીને પ્રથમ સેટ જીતી લીધો હતો. ત્યાર બાદ પેટની તકલીફને કારણે તે થોડા સમય માટે કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો અને પછી પાછો ફર્યો હતો. નડાલે પહેલો સેટ ગુમાવ્યો હતો અને બીજો સેટ જીતીને મેચમાં વાપસી કરી હતી. ત્યાર બાદ ફ્રિટ્ઝે ત્રીજો સેટ જીતીને સ્પેનિશ ખેલાડીની ચિંતા વધારી દીધી હતી. ત્યાર બાદ નડાલે ચોથો સેટ જીતીને મેચને પાંચમા સેટમાં લાવી દીધી હતી. પાંચમો સેટ ટાઈબ્રેકરમાં ગયો અને નડાલે બીજો મેચ પોઈન્ટ જીત્યો.
પૂર્વ ચેમ્પિયન સિમોના હાલેપ અંતિમ 4 માં
રોમાનિયાની સિમોના હાલેપ (Simona Halep) જેણે ત્રણ વર્ષ પહેલા વિમ્બલ્ડનનો ખિતાબ જીતીને વાપસી કરી હતી તેણે હાલ અમાન્દા અનિસિમોવાને 6-2, 6-4 થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગયા વર્ષે ઈજાના કારણે સિમોના હાલેપ અહીં રમી શકી ન હતી. જ્યારે કોવિડને કારણે 2020માં વિમ્બલ્ડન રમાઈ ન હતી.
ઓન્સ જેબુરે ઈતિહાસ રચ્યો
પોતાના નામની આગળ ‘પહેલીવાર’ ઘણી સિદ્ધી મેળવનાર ટ્યુનીશિયાની ઓન્સ જેબ્યુર વિમ્બલનડ 2022 ની અંતિમ 4 માં જગ્યા બનાવીને કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર અરબ દેશની પહેલી મહિલા ટેનિસ ખેલાડી બની ગઇ છે.
ગયા વર્ષે વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ત્રીજી ક્રમાંકિત ટ્યુનિશિયાની ઓન્સ જેબ્યુરે સેન્ટ્રલ કોર્ટ પર મેરી બોજકોવાને 3-6, 6-1, 6-1 થી હરાવીને એક ડગલું આગળ વધી હતી. વિશ્વના નંબર 2 જેબુરે કહ્યું, ‘તે ઘણું મહત્વનું છે. મને ઘણા સમયથી આશા હતી કે હું અહીં સુધી પહોંચી શકીશ. હું (પૂર્વ મોરોક્કન ખેલાડી) હિચમ અરાઝી સાથે વાત કરતી હતી અને તે મને કહેતા હતા કે આરબ દેશોના ખેલાડીઓ હંમેશા ક્વાર્ટર ફાઇનલમાં હારી જાય છે અને અમે તેનાથી કંટાળી ગયા છીએ અને તમે લાઇન તોડી નાખો. મેં કહ્યું દોસ્ત હું એ કરવાનો પ્રયત્ન કરીશ. જેબુરે પ્રયાસ કર્યો અને તે આમ કરવામાં સફળ રહી.