
આઈપીએલ 2026ની સિઝનમાં ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ માત્ર ચોગ્ગા-છગ્ગા માટે જ નહીં, પણ એક ભાવનાત્મક ક્ષણ માટે પણ યાદગાર બની ગઈ છે. મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવી ક્લિપ વાયરલ થઈ છે, જેણે લાખો ક્રિકેટ પ્રેમીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે.
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર 60 રનમાં 6 વિકેટ ગુમાવીને અત્યંત મુશ્કેલ સ્થિતિમાં હતી, ત્યારે કેમેરો રવીન્દ્ર જાડેજા તરફ ફર્યો હતો. જાડેજા એ સમયે બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડિંગ કરી રહ્યા હતા. જાડેજાના ચહેરા પર ગંભીરતા હતી અને તેમની આંખોમાં આંસુ જેવું કંઈક ચમકી રહ્યું હતું. જે ટીમને તેમણે વર્ષો સુધી જીતાડી, જે ટીમ સાથે તેમનો અતૂટ નાતો હતો, તે જ ટીમને પોતાની સામે પત્તાની જેમ વિખેરાતી જોઈને જાડેજા ભાવુક થઈ ગયા હોવાની અટકળો તેજ થઈ છે.
રવીન્દ્ર જાડેજા માટે આ મેચ વ્યવસાયિક રીતે શાનદાર રહી હતી. રાજસ્થાન રોયલ્સની ગુલાબી જર્સીમાં સજ્જ જાડેજાએ માત્ર 3 ઓવરમાં 18 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. મેચ બાદ તેમણે સ્વીકાર્યું હતું કે, “ગુલાબી રંગ મારા પર ખૂબ સરસ લાગે છે.” પિચ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, બારસાપારાની પિચ થોડી ચીકણી હતી જેના કારણે બોલને ટર્ન મળી રહ્યો હતો અને તેમને ત્યાં બોલિંગ કરવાની ખૂબ મજા આવી હતી.
મેચ બાદ બ્રોડકાસ્ટર્સ સાથેની વાતચીતમાં જાડેજા ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમણે દિવંગત દિગ્ગજ ખેલાડી શેન વોર્નને યાદ કર્યા હતા, જેમણે તેમને ‘રોકસ્ટાર’નું બિરૂદ આપ્યું હતું. રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યા બાદ તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. જોકે, મેદાન પરના એ ‘આંસુ’ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી—શું તે પવનના કારણે હતા કે પછી જૂની ટીમ પ્રત્યેનો પ્રેમ? તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
રાજસ્થાન રોયલ્સનો હવે આગામી મુકાબલો 4 એપ્રિલના રોજ ગુજરાત સામે થશે. પરંતુ હાલ તો સોશિયલ મીડિયા પર માત્ર ‘રડતા જાડેજા’ અને તેમની ‘ઘાતક સ્પિન’ના જ ચર્ચા છે.