
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ સમાપ્ત થઈ ગયો છે. ત્રીજા દિવસની રમતમાં, ટીમ ઇન્ડિયાનો દાવ 387 રનમાં સમેટાઈ ગયો. આ રીતે, ઇંગ્લેન્ડ દ્વારા પ્રથમ દાવમાં બનાવેલા 387 રનના જવાબમાં, ટીમ ઇન્ડિયાનો સ્કોર પણ બરાબર થઈ ગયો અને મહેમાન ટીમને એક પણ રનની લીડ મળી શકી નહીં. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી. તેણે 177 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા. આ ઉપરાંત રિષભ પંતે 74 રન અને રવિન્દ્ર જાડેજાએ 72 રનનું યોગદાન આપ્યું. મિડલ ઓર્ડરમાં નીતિશ કુમાર રેડ્ડીએ પણ 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
ઇંગ્લેન્ડની ટીમે બીજી ઇનિંગમાં 1 ઓવરમાં 2 રન બનાવ્યા. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન, જૈસ ક્રાઉલી અને ભારતીય કેપ્ટન શુભમન ગિલ વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ. બીજા દિવસની રમતની સમાપ્તિની થોડી મિનિટો જ બાકી હતી અને જસપ્રીત પહેલી ઓવર ફેંકી રહ્યો હતો. આવી સ્થિતિમાં, ક્રાઉલી વારંવાર જાણી જોઈને સ્ટાંસ લેવામાં સમય બગાડી રહ્યો હતો, જેને લઈને શુભમન ગિલે વિરોધ દર્શાવ્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી બોલિંગની વાત કરીએ તો, ક્રિસ વોક્સના ખાતામાં સૌથી વધુ 3 વિકેટ આવી. આ ઉપરાંત, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે પણ 2-2 વિકેટ લીધી જ્યારે બ્રાયડન કાર્સે અને શોએબ બશીરે 1-1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડના બોલરોએ ખાસ કરીને ટીમ ઇન્ડિયાના નીચલા ક્રમના બેટ્સમેન સામે,શાનદાર બોલિંગ કરી, જેના કારણે ઇંગ્લેન્ડની ટીમ સ્કોરને બરાબરી પર રાખવામાં સફળ રહી.
ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટી બ્રેક પછી ટીમ ઇન્ડિયાની ઈનિંગ નબળી પડતી દેખાઈ. ટી બ્રેક સુધીમાં ટીમ ઇન્ડિયાએ 5 વિકેટે 316 રન કર્યા હતા. જોકે, ત્યારબાદ શોએબ બશીરે કેએલ રાહુલને આઉટ કરીને ઇંગ્લેન્ડને ફરી મજબૂત સ્થિતિમાં લાવી દીધુ. રાહુલના આઉટ થયા પછી, રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડીએ થોડા સમય માટે સ્કોર સંભાળ્યો અને ભારતના સ્કોરને 350 થી પાર પહોંચાડ્યો. પરંતુ આ પછી જાડેજા અને રેડ્ડીએ ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ભારતનો સ્કોર ઇંગ્લેન્ડથી વધુ થઈ શક્યો નહીં અને બરાબરીના સ્કોર પર જ ત્રીજા દિવસની ગેમ સમાપ્ત થઈ ગઈ.
Published On - 11:52 pm, Sat, 12 July 25