જે અપેક્ષિત ન હતું તે આખરે થયું. અમે વાત કરી રહ્યા છીએ યુસુફ પઠાણની જેણે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના બહરમપુરથી લોકસભા ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. અધીર રંજન ચૌધરી 25 વર્ષ પછી ચૂંટણી હાર્યા છે અને યુસુફ પઠાણે આ કારનામું કર્યું છે.
યુસુફ પઠાણની આ જીત બાદ તેના ચાહકોમાં ખુશીની લહેર છે અને તેના નાના ભાઈ ઈરફાન પઠાણની ખુશીની કોઈ સીમા નથી. મોટા ભાઈની જીત બાદ ઈરફાન ઈમોશનલ થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર યુસુફ માટે ખાસ મેસેજ પોસ્ટ કર્યો હતો.
ઈરફાન પઠાણે ટ્વિટ કર્યું, ‘લાલા, એક ઉમદા હેતુ માટે તમે અનુભવી રાજનેતાઓ સામે જીતવા માટે મુશ્કેલ પ્રવાસ પર નીકળ્યા. તમારા સારા ઈરાદાઓ, પ્રામાણિકતા અને અતૂટ નિશ્ચયથી સજ્જ વિચારસરણી હવે મહાન કાર્યમાં પરિવર્તિત થશે, જેનાથી આપણા દેશના નાગરિકોનું જીવન સુધરશે.’ ઈરફાન પઠાણે ઈશારામાં કહ્યું કે હવે તેનો મોટો ભાઈ દરેકના કલ્યાણ માટે કામ કરશે.
જીત બાદ યુસુફ પઠાણ પણ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે તે બહરમપુરના લોકોનો આભાર માને છે, જેમણે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. યુસુફે કહ્યું કે રેકોર્ડ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને તે અધીર રંજનનું ખૂબ સન્માન કરે છે. યુસુફે જાહેરાત કરી કે તે બેરહમપુરમાં સ્પોર્ટ્સ એકેડમી બનાવનાર સૌપ્રથમ વ્યક્તિ બનશે અને ઈન્ડસ્ટ્રી (ઉદ્યોગો) માટે પણ કામ કરશે.
યુસુફ પઠાણની રાજકીય કારકિર્દીની આ પ્રથમ જીત છે પરંતુ આ પહેલા તેણે રમતગમતના મેદાનમાં ઘણી મોટી જીત હાંસલ કરી છે. યુસુફ 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો. આ સિવાય તે 2008માં IPL જીતનાર રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી હતો. 2012 અને 2014માં તેણે KKRને IPL જીતાડ્યું. સ્પષ્ટ છે કે યુસુફે ક્રિકેટના મેદાન પર ઝંડો ફરકાવ્યો છે, હવે રાજકીય ક્ષેત્રનો વારો છે.
આ પણ વાંચો : યુસુફ પઠાણે ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ, તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, પહેલા કરશે આ કામ