IND vs ENG : માન્ચેસ્ટરમાં યશસ્વી જયસ્વાલની ઐતિહાસિક ઈનિંગ, 51 વર્ષ પછી કોઈ ભારતીય ઓપનરે કર્યું આવું

ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે 51 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો. તેની ઈનિંગ ઘણી રીતે ખાસ હતી.

IND vs ENG : માન્ચેસ્ટરમાં યશસ્વી જયસ્વાલની ઐતિહાસિક ઈનિંગ, 51 વર્ષ પછી કોઈ ભારતીય ઓપનરે કર્યું આવું
Yashasvi Jaiswal
Image Credit source: X/BCCI
| Updated on: Jul 23, 2025 | 9:20 PM

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે કેએલ રાહુલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલના આઉટ થયા પછી પણ યશસ્વી જયસ્વાલે રોકાવાનું ટાળ્યું અને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે જોરદાર ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો. જયસ્વાલે એક એવો કમાલ કર્યો જે છેલ્લા 50 વર્ષમાં કોઈ ભારતીય ઓપનર આ મેદાન પર કરી શક્યો નથી.

યશસ્વી જયસ્વાલની ઐતિહાસિક ઈનિંગ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર યશસ્વીએ 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ દરમિયાન તેણે 107 બોલનો સામનો કર્યો. તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની ઈનિંગને યાદગાર બનાવી અને એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો. યશસ્વી જયસ્વાલ છેલ્લા 51 વર્ષમાં ઓલ્ડ ટ્રેફોર્ડમાં 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો.

 

માન્ચેસ્ટરમાં 51 વર્ષ બાદ ફિફ્ટી

માન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન હંમેશા બેટ્સમેન માટે પડકારજનક રહ્યું છે. ઝડપી અને ઉછાળવાળી પિચ પર ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કરવો એ સરળ કાર્ય નથી. પરંતુ યશસ્વી જયસ્વાલે પોતાની ઈનિંગથી બધાનું દિલ જીતી લીધું. જયસ્વાલ પહેલા સુનીલ ગાવસ્કરે ભારતીય ઓપનર તરીકે આ મેદાન પર અડધી સદી ફટકારી હતી. પરંતુ સુનીલ ગાવસ્કરે 1974માં આ સિદ્ધિ મેળવી હતી. એટલે કે, જયસ્વાલે 51 વર્ષ પછી આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે.

જયસ્વાલના ઈંગ્લેન્ડ સામે 1000 રન

આ ઈનિંગ દરમિયાન, યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 1000 રન પણ પૂરા કર્યા. તેણે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે 1 સદી અને 2 બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત, તેણે 5 અડધી સદી પણ ફટકારી છે. તેણે આ રન 66.86ની સરેરાશથી બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેણે અત્યાર સુધી તેની ટેસ્ટ કારકિર્દીમાં ફક્ત 2089 રન જ બનાવ્યા છે, આમાંથી અડધા રન તેણે ફક્ત ઈંગ્લેન્ડ સામે જ બનાવ્યા છે.

આ પણ વાંચો: IND vs ENG : ઈંગ્લેન્ડના આ બોલરને 3000 દિવસ પછી મળી વિકેટ, માન્ચેસ્ટર ટેસ્ટમાં થયો ચમત્કાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો