
સતત બે IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. ફ્રેન્ચાઇઝીના માલિકી બદલાયા પછી, ટીમના નામમાં ફેરફાર અંગે અટકળો ચાલી રહી હતી. હવે, RCB ના નવા ચેરમેન આર્યમાન બિરલાએ આ બધી ચર્ચાઓ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.
આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે IPL 2026 પહેલા RCBનો 100% હિસ્સો હસ્તગત કર્યો હતો. આ મોટા કોર્પોરેટ ટેકઓવર પછી, એવી અટકળો ચાલી રહી હતી કે નવા માલિકો તેમના બ્રાન્ડિંગને અનુરૂપ નામ બદલી શકે છે, પરંતુ નવા મેનેજમેન્ટે ચાહકોની ભાવના અને RCBના બ્રાન્ડ મૂલ્યને પ્રાથમિકતા આપી અને નામ ન બદલવાનો નિર્ણય લીધો.
RCB Chairman Aryaman Birla confirms that the franchise will continue with its current name.
#AryamanBirla #IPL2026 #RCB pic.twitter.com/8IVfkuBM8h— CricTracker (@Cricketracker) September 5, 2026
આર્યમાન બિરલાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં સ્પષ્ટતા કરી હતી કે માલિકી બદલાયા છતાં ટીમનું નામ યથાવત રહેશે. તેમણે જણાવ્યું હતું કે RCB એક વૈશ્વિક અને મોટી બ્રાન્ડ છે, અને મેનેજમેન્ટને આ નામ ખૂબ ગમે છે. તેની બહેન, અનન્યા બિરલાએ અગાઉ સોશિયલ મીડિયા દ્વારા સંકેત આપ્યો હતો કે ફ્રેન્ચાઇઝની ઐતિહાસિક ઓળખ યથાવત રહેશે.
2008માં IPLની શરૂઆતથી 2024 સુધી, RCB એક પણ ટ્રોફી જીતી શક્યું નહીં, જોકે વિરાટ કોહલી અને અન્ય દિગ્ગજો ક્રિકેટરોની ટીમમાં હાજરીથી ફેન્સની સંખ્યા સતત વધતી રહી. ત્યારબાદ, 2025માં, ભારતીય બેટ્સમેન રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી, અને પોતાની કપ્તાનીના પહેલા જ વર્ષમાં, રજત પાટીદારે 18 વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવ્યો અને RCBને તેની પ્રથમ IPL ટ્રોફી અપાવી. પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યો અને IPL 2026 ફાઇનલ જીતીને સતત બીજીવાર ટ્રોફી જીતી. હવે 2027માં, RCB હેટ્રિક ટ્રોફી જીતવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.