બેંગલુરુ નહીં, પણ આ શહેર બનશે RCBનું હોમ ગ્રાઉન્ડ ? IPL 2026 પહેલા મોટી અપડેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ IPL 2026 માં નવા હોમ ગ્રાઉન્ડ પર રમી શકે છે. ગયા સિઝનમાં RCB ની વિજય પરેડ દરમિયાન સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોના મોત થયા હતા. જે બાદ હવે RCBનું હોમ ગ્રાઉન્ડ બદલાશે તેવી પૂરી શક્યતા છે.

બેંગલુરુ નહીં, પણ આ શહેર બનશે RCBનું હોમ ગ્રાઉન્ડ ? IPL 2026 પહેલા મોટી અપડેટ
RCB
Image Credit source: PTI
| Updated on: Nov 12, 2025 | 6:46 PM

બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, જે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નું ઘર છે, તે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદમાં ફસાયેલું છે. IPL 2025 પછી જૂનમાં RCBના વિજય પરેડ દરમિયાન સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ, સ્ટેડિયમમાં મોટા સુધારાની જરૂર હોવાનું માનવામાં આવતું હતું. ત્યારથી સ્ટેડિયમને કોઈપણ મેચનું આયોજન કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી. હવે, IPL 2026 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, RCBના હોમ ગ્રાઉન્ડ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

RCBનું હોમ ગ્રાઉન્ડ બદલાશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને IPL 2026 ના આયોજનમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. તાજેતરના મહિલા ODI વર્લ્ડ કપ દરમિયાન પણ તેની અવગણના કરવામાં આવી હતી. આ ભાગદોડથી સુરક્ષા ધોરણો પર પ્રશ્નો ઉભા થયા છે, જે RCB ચાહકો માટે ફટકો છે, કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ફક્ત ટીમનું ઘર જ નથી રહ્યું પરંતુ તેને બેટિંગ સ્વર્ગ પણ માનવામાં આવે છે. જો કે, RCB IPL 2026 માં નવા હોમ ગ્રાઉન્ડ પર રમી શકે છે.

પુણે બનશે RCB નું નવું હોમગ્રાઉન્ડ?

અહેવાલો અનુસાર, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) એ RCB ને એક આકર્ષક ઓફર કરી છે. પુણેના MCA સ્ટેડિયમમાં RCB ની હોમ મેચોનું આયોજન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. આ સ્ટેડિયમમાં 42,000 થી વધુ ચાહકોની ક્ષમતા છે અને તે અગાઉ પુણે વોરિયર્સ ઈન્ડિયા અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ જેવી ફ્રેન્ચાઈઝીઓનું ઘર રહ્યું છે. જોકે, RCB ના હોમ ગ્રાઉન્ડ અંગે અંતિમ નિર્ણય ડિસેમ્બરમાં થનારા ઓક્શન પછી લેવામાં આવશે.

ઓક્શન બાદ લેવાશે અંતિમ નિર્ણય

MCAના સેક્રેટરી કમલેશ પિસાલે જણાવ્યું હતું કે, “પુણેમાં RCB મેચોનું આયોજન કરવા માટે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. કર્ણાટકમાં થયેલી ભાગદોડને કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેઓ સ્થળ શોધી રહ્યા છે, અને અમે તેમને અમારું સ્ટેડિયમ ઓફર કર્યું છે. પ્રારંભિક ચર્ચાઓ થઈ ગઈ છે, અને કેટલીક ટેકનિકલ સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે. જો બધું બરાબર રહ્યું, તો હા, પુણે કદાચ RCBની મેચોનું આયોજન કરશે.”

આ પણ વાંચો: IND vs SA: ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટમાં રમશે, આ સ્ટાર ખેલાડી થશે ટીમની બહાર, કોચે કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો