
India U19 vs Pakistan U19: અંડર-19 એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ, આજે 21 ડિસેમ્બરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. હવે પ્રશ્ન એ છે કે, જો ભારત જીતશે તો શું થશે? શું પરિસ્થિતિ 84 દિવસ પહેલા જેવી જ સર્જાશે, કે પછી કોઈક બદલાવ આવશે ? આજથી 84 દિવસ પહેલા, 28 સપ્ટેમ્બર, 2025 ના રોજ, ભારતે UAEમાં ક્રિકેટના સિનિયર ખેલાડીઓની ટીમો વચ્ચે રમાયેલી એશિયા કપની ફાઇનલ મેચમાં, ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. જોકે, ભારતીય ટીમને એશિયાકપની ટ્રોફી આજ દીવસ મળી નથી. આ ટ્રોફી દુબઈ સ્થિત એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે શું 28 સપ્ટેમ્બર, 2025ના રોજની ઘટનાનુ આજે 21 ડિસેમ્બર 2025ના રોજ પુનરાવર્તન થશે?
ભારત અને પાકિસ્તાન 2025 અંડર-19 એશિયા કપમાં બીજી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. અગાઉ, બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં ટકરાઈ હતી, જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મેળવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હાથ ન મેળવવાની આ જ રીત ફાઇનલમાં પણ જોવા મળશે. પરંતુ જો ભારતીય ટીમ જીતે તો શું અંડર-19 એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરશે ? કારણ કે, અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પણ ફક્ત મોહસીન નકવી જ ટ્રોફી અર્પણ કરી શકે છે.
આ વર્ષે, 28 સપ્ટેમ્બરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન સિનિયર એશિયા કપ ફાઇનલમાં, ભવ્ય વિજય પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો મોહસીન નકવી ફક્ત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ હોત તો બરાબર છે. પરંતુ તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખની સાથેસાથે પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આ વર્ષે કાશ્મીરના પહેલગામમાં ધર્મ પુછી પુછીને મુસ્લિમ આતંકવાદીએ કરેલા હુમલા પછી, સૂર્યકુમાર યાદવ કોઈપણ પાકિસ્તાની કે ત્યાંના મંત્રના હાથે ટ્રોફી સ્વીકારવા માંગતા ન હતા. આ નિર્ણયમાં આખી ટીમે તેના કેપ્ટનને ટેકો આપ્યો અને પાકિસ્તાની પ્રધાનના હાથે ટ્રોફી સ્વીકારી નહીં.
સામાન્ય રીતે ICC, ક્રિકેટને રાજકારણથી દૂર રાખવા માંગે છે. જુનિયર ક્રિકેટના કિસ્સામાં આ વધુ મજબૂત રીતે લાગુ પડે છે. મીડિયા અહેવાલો અનુસાર, ICC એ ભારત અને પાકિસ્તાનને રમતની ગરિમા જાળવવા સૂચના આપી છે. જો કે, જે રીતે ભારતના અંડર-19 ખેલાડીઓએ તેમના સિનિયરોને અનુસરીને, ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મેળવવાનો ઇનકાર કર્યો હતો, તેનાથી ચોક્કસપણે એ પ્રશ્નો ઉભા થયા છે: શું તેઓ એશિયા કપ ટ્રોફી સ્વીકારવામાં તેમના સિનિયરોને અનુસરશે કે નહીં ?
આ પણ વાંચોઃ દોઢ વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ટીમ ઈન્ડિયા, 7 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ થયા બહાર