રોવમેન પોવેલ (Rovman Powel) ની શાનદાર સદીના આધારે વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 20 રને હરાવ્યું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમ પાંચ મેચની T20I શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે. પોવેલે 53 બોલમાં 107 રન બનાવ્યા અને નિકોલસ પૂરન (Nicholas Pooran) સાથે ચોથી વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 224 રનનો પહાડી ટાર્ગેટ આપ્યો હતો, જેને ઈંગ્લેન્ડે હાંસલ કરી શક્યો નહોતો. આમ ભારત પ્રવાસ પહેલા જ વેસ્ટ ઇન્ડિઝ અને તેનો આક્રમક બેટ્સમેન જીતની ખુશી સાથે ફોર્મમાં છે.
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચ હાઈ સ્કોરિંગ મેચ હતી. મેચમાં બંને ટીમોએ 200નો આંકડો સ્પર્શ કર્યો હતો. છગ્ગા અને ચોગ્ગાઓનો ભારે વરસાદ થયો હતો. રોવમેન સિવાય ટોમ બેન્ટન અને ફિલિપ સોલ્ટે ઈંગ્લેન્ડ માટે તોફાની ઈનિંગ્સ રમી હતી, જેના આધારે એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ ટાર્ગેટનો પીછો કરશે.
રોવમેનની તોફાની ઇનિંગ્સના આધારે વેસ્ટ ઇન્ડિઝે મોટો સ્કોર ખડક્યો
ઈંગ્લેન્ડના કેપ્ટન મોઈન અલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઓપનિંગ જોડી 50ના સ્કોર પહેલા પરત ફરી હતી. આ પછી નિકોલસ પૂરન અને રોવમેન પોવેલે ટીમ માટે 122 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. રોવમેને તેની 107 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા જ્યારે પૂરન (70) એ પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
આ ભાગીદારી બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે અંતિમ ચારમાં 50 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 224 રનનો ટાર્ગેટ આપ્યો. ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં દેખાઈ રહી હતી, પરંતુ કોઈને આશા નહોતી કે ટીમ 200 સુધીનો સ્કોર કરી શકશે.
બેન્ટન અને સોલ્ટની ઈનિંગ્સ એળે ગઇ
જેસન રોય અને ટોમ બેન્ટને પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. રોયે 16 બોલમાં 19 રન બનાવ્યા જેમાં તેણે બે સિક્સર ફટકારી. જેમ્સ વિન્સ પણ નાની ઈનિંગ્સ રમીને પરત ફર્યો હતો, જ્યારે કેપ્ટન મોઈન અલી ખાતું પણ ખોલી શક્યો નહોતો.
જો કે આ દરમિયાન ટોમ બેન્ટને બીજી તોફાની ઇનિંગ્સ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 39 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા. તેના સિવાય ફિલિપ સોલ્ટે પણ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 24 બોલમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. જોકે, આ પછી ઈંગ્લેન્ડની ઈનિંગ્સ બરબાદ થઈ ગઈ હતી. ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે ત્રણ અને કિયરોન પોલાર્ડે બે વિકેટ ઝડપી હતી.