
T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એ બે નામ છે જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એક તરફ વિરાટના સ્ટ્રાઈક રેટને લઈને હોબાળો થઈ રહ્યો છે તો બીજી તરફ પંડ્યાના ફોર્મ પર સવાલો થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા અનેક ફેન્સની સાથે ઘણા ક્રિકેટ એક્સપર્ટ પણ નારાજ થયા હતા. આ બંને ખેલાડીઓ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે 2007નો T20 વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત તેમના સમર્થનમાં સામે આવ્યો છે. શ્રીસંતનું માનવું છે કે આ બંનેની હાજરીથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
એસ શ્રીસંતે કોહલી અને પંડ્યાની જોડીને ભારત માટે ફાયદાકારક ગણાવી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વર્લ્ડકપ ટીમનું વિશ્લેષણ કરતા તેણે કહ્યું કે બંને ખેલાડીઓ મોટી મેચોમાં ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને રન ચેઝ દરમિયાન, આ બંનેની જોડી અજાયબીઓ કરી શકે છે. જેમ બંનેએ 2022 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારને પલટી નાખી હતી.
હાર્દિકની બોલિંગના વખાણ કરતા તેણે કહ્યું કે તે નવા અને જૂના બંને બોલથી ઓવર નાંખી શકે છે. મોટી મેચોમાં બંનેનું પ્રદર્શન શાનદાર છે, આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તેણે હાર્દિકને સલાહ આપી કે તેણે IPL ભૂલીને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી અને શ્રીસંત ચર્ચા કરી રહ્યા હતા. મૂડીએ કહ્યું કે ભારત પાસે હાર્દિકના કદનો કોઈ ખેલાડી નથી. અલબત્ત, કેટલાક ખેલાડીઓએ IPLમાં તેના કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટોપ-6માં બેટિંગ કરી શકે અને 4 ઓવર પણ ફેંકી શકે તેવો કોઈ ખેલાડી નથી.
વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે 10 ઈનિંગ્સમાં 500 રન પણ બનાવ્યા છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ ચિંતાનો વિષય હતો. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે ભારતને નુકસાન થઈ શકે છે. ઈજામાંથી પરત ફરેલા હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપના વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેનું આ સિઝનમાં પ્રદર્શન એવરેજ રહ્યું છે. તે 10 મેચમાં માત્ર 6 વિકેટ લઈ શક્યો છે જ્યારે તેના બેટથી પણ માત્ર 197 રન જ બનાવી શક્યા હતા.
આ પણ વાંચો : IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય