
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોમાં ખળભળાટ મચાવનાર વૈભવ સૂર્યવંશી હવે કારકિર્દીના નવા તબક્કે પહોંચી રહ્યો છે. તેને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત એશિયન ગેમ્સ માટે પણ ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે. આયર્લેન્ડ જવા પહેલા વૈભવ હાલમાં શ્રીલંકામાં છે. જ્યાં તે ઈન્ડિયા-એ માટે ટ્રાઇ સિરીઝ રમશે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એની ટીમો પણ ભાગ લઈ રહી છે. ઈન્ડિયા-એની પ્રથમ મેચ આજે 9 જૂને શ્રીલંકા-એ સામે રમાશે. ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે શરૂ થનારી આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે.
IPLમાં આક્રમક બેટિંગ કરીને રાતોરાત સ્ટાર બનેલા વૈભવ માટે હવે 50 ઓવરના ક્રિકેટની મોટી કસોટી છે. T20માં આક્રમક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનાર આ યુવા ખેલાડીએ હવે સાબિત કરવાનું રહેશે કે તે માત્ર મોટા શોટ્સ મારનાર બેટ્સમેન જ નહીં પરંતુ લાંબા સમય માટે પણ ક્રિઝ પર રહી શકે છે.
વૈભવે IPL 2026માં 776 રન બનાવી અનેક રેકોર્ડ્સ તોડ્યા હતા. જોકે ક્રિકેટમાં સાચી ઓળખ માત્ર એક ફોર્મેટથી મળતી નથી. તેથી હવે સૌની નજર એ વાત પર છે કે શું વૈભવ 50 ઓવરના ક્રિકેટમાં પણ એટલો જ સફળ સાબિત થશે જેટલો તે IPL T20માં રહ્યો છે. શ્રીલંકાની પરિસ્થિતિઓ ભારતથી અલગ છે. અહીં સ્પિન બોલરોનું પ્રભુત્વ જોવા મળી શકે છે અને બેટ્સમેનોને ધીરજ સાથે લાંબી ઇનિંગ્સ રમવી પડે છે. જો વૈભવ ઈન્ડિયા-એ માટે પણ શાનદાર પ્રદર્શન કરશે તો ભારતીય ક્રિકેટમાં તેનું સ્થાન વધુ મજબૂત બની શકે છે
આ શ્રેણીમાં ઈન્ડિયા-એની કમાન તિલક વર્માના હાથમાં છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ ટીમનો સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ છે. પ્રભસિમરન સિંહ, આયુષ બડોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ અને અનુકુલ રોય જેવા ખેલાડીઓ ટીમને મજબૂત સંતુલન પૂરું પાડી શકે છે. બોલિંગમાં અંશુલ કંબોજ, યશ ઠાકુર અને અરશદ ખાન જેવા ફાસ્ટ બોલરો સામે વાળા બેટ્સમેનોને પડકાર આપવા માટે તૈયાર છે.
IPLમાં વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરી હતી. પરંતુ હવે પડકાર અલગ છે. અહીં તેની પાસેથી માત્ર ઝડપથી સ્કોર કરવાની જ નહીં પણ ઇનિંગ્સને મજબૂત બનાવવાની અને ટીમને વિજય તરફ દોરી જવાની પણ અપેક્ષા રાખવામાં આવશે. આ જ કારણ છે કે શ્રીલંકામાં શરૂ થતી આ ટ્રાઇ સિરીઝ વૈભવની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ કસોટીઓમાંની એક માનવામાં આવે છે.
વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), નિશાંત સિંધુ, અનુકુલ રોય, આયુષ બડોની, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, વિપરાજ નિગમ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે અને અંશુલ કંબોજ.
આવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, નિરોશન ડીકવેલા (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, સહાન અરચ્ચિગે (કેપ્ટન), વનુજા સહન, ચમિકા કરુણારત્ને, વિજયકાંત વ્યાસકાન્ત, મોહમ્મદ શિરાઝ, અહાન વિક્રમસિંઘે, ચમિકા ગુણશેખરા, રવિન્દુ ફર્નાન્ડો, ગરુકા સંકેત, વિશેન હલમ્બગે, કુગાદાસ મથુલન અને દુલાજ સમુદિતા