પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહી છે. તે એક પછી એક મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહી છે. હવે તેને ઘરેલું શ્રેણીમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ તેને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશે 2-0થી હરાવ્યું હતું. આ બધા વચ્ચે યુએસએ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અલી ખાને મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, અલી ખાન એ ટીમનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને ઘણું અપમાન સહન કરવું પડ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમી રહેલી અમેરિકન ટીમે પણ તેને પરાજય આપ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ સુપર ઓવર સુધી ચાલી હતી, જ્યાં અમેરિકન ટીમ જીતવામાં સફળ રહી હતી. આ જીતમાં ફાસ્ટ બોલર અલી ખાને મહત્વનું યોગદાન આપ્યું હતું. હાલમાં જ આ જીતને યાદ કરતા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે પાકિસ્તાનને ફરી હરાવી શકીએ છીએ.
અલી ખાને કહ્યું, ‘અમે તેમને (પાકિસ્તાન)ને ફરીથી હરાવવા માટે સક્ષમ છીએ. હું તેમનો અનાદર કરવા માંગતો નથી, પરંતુ મને લાગે છે કે અમે ખરેખર સારી ટીમ છીએ, જો અમારી પાસે સંપૂર્ણ તાકાતવાળી ટીમ હોય તો અમે અમારા દિવસે માત્ર પાકિસ્તાનને જ નહીં કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. જો અમે ફરીથી તેમનો સામનો કરીશું તો તે શાનદાર મેચ હશે.
Ali Khan “no disrespect to Pakistan but we are capable of beating them again” #Cricket pic.twitter.com/aMAcaniCFA
— Saj Sadiq (@SajSadiqCricket) September 10, 2024
ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા રમતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી યુએસએની ટીમે શાનદાર બેટિંગ કરી જેને જોઈને સૌને આશ્ચર્ય થયું. જોકે, અમેરિકન ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. આવી સ્થિતિમાં મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને 13 રન પર રોકી દીધું. જેના કારણે તે મોટો અપસેટ કરવામાં સફળ રહી હતી.
અલી ખાનનું પૂરું નામ મોહમ્મદ અહેસાન અલી ખાન છે. તે પાકિસ્તાનનો રહેવાસી છે. 13 ડિસેમ્બર, 1990ના રોજ પાકિસ્તાનના એટોકમાં જન્મેલો અલી 19 વર્ષની ઉંમરે 2010માં તેના માતા-પિતા સાથે અમેરિકા ગયો હતો. આ પછી તેણે અમેરિકામાં જ ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવ્યું. ઈન્ડિયાનાપોલિસમાં ICC અમેરિકા ઓપન ટ્રાયલમાં અલી પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. તે IPLમાં KKR ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. જોકે તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.