
દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ તાજેતરમાં પૂર્ણ થયેલી પાંચ મેચની T20 શ્રેણી સાથે સમાપ્ત થયો. ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળ આફ્રિકાની ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કરવા છતાં ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી હારી ગઈ. આફ્રિકન ટીમે ત્યારબાદની પાંચ મેચની T20 શ્રેણી પણ 3-1 થી ગુમાવી દીધી હતી.
આ સમયગાળા દરમિયાન બંને ટીમોએ કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. આવી જ એક ટિપ્પણી ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા અંગે કરી હતી. જો કે, બુમરાહે આ ટિપ્પણી માટે માફી પણ માંગી હતી. એવામાં હવે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ બુમરાહની ટિપ્પણી પર પોતાનું મૌન તોડ્યું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગ દરમિયાન ટેમ્બા બાવુમાની સામે LBW અપીલ કરી અને પછી તેને ‘બૌના’ કહી દીધું, જે સ્ટમ્પ માઇક પર સ્પષ્ટ રીતે બધા લોકો દ્વારા સાંભળવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, બુમરાહ દ્વારા આવી કોમેન્ટ પાસ કરવા બાદ પણ બાવુમાએ કોઈ ટિપ્પણી કરી ન હતી.
જો કે, હવે બાવુમાએ ESPNcricinfo કોલમમાં આખી ઘટનાનો જવાબ આપતા લખ્યું છે કે, “મને ખબર છે કે મારી સાથે શું થયું, જેમાં તેણે તેની ભાષામાં મારા વિશે કંઈક કહ્યું. જો કે, દિવસની રમત પછી ઋષભ પંત-જસપ્રીત બુમરાહ આવ્યા અને માફી પણ માંગી હતી.
ધ્યાન દોરવા જેવું એ છે કે, જ્યારે તેમણે માફી માંગી, ત્યારે મને ખબર નહોતી કે શું થયું છે. આ પછી મેં મારા મીડિયા મેનેજર સાથે વાત કરી હતી.” બાવુમાએ વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે, મેદાન પર શું થાય છે, તે ત્યાં જ છોડી દેવું જોઈએ. જો કે, તમને જે કહેવામાં આવ્યું હતું તે તમે ક્યારેય ભૂલી શકતા નથી. તમે તેનો ઉપયોગ તમારા માટે એક પ્રેરણા તરીકે લઈ શકો છો.”
દક્ષિણ આફ્રિકાના કોચ શુક્રી કોનરાડે ગુવાહાટી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેના માટે તેમને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. બાવુમાએ તેમના કોલમમાં તેના હેડ કોચના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આમાં લખવામાં આવ્યું હતું કે, “જ્યારે મેં પહેલીવાર તેમનું નિવેદન સાંભળ્યું, ત્યારે મને પણ તે ગમ્યું નહીં પરંતુ તે મને યાદ છે કે, આ ટેસ્ટ શ્રેણી કેટલી મુશ્કેલ હતી.” શુક્રીએ ODI શ્રેણી દરમિયાન તેની ટિપ્પણીઓને સંબોધિત કરી હતી અને મુદ્દાને ત્યાં જ પૂર્ણવિરામ મૂક્યું.