ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચ રમાનારી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમવાર વિશ્વકપ ફાઈનલમાં પહોંચ્યું છે. તો ભારતીય ટીમ માટે ફરી એકવાર વિશ્વકપ જીતવાનો મોકો છે. ભારતીય ચાહકોને જોકે આ દરમિયાન રાહતના સમાચાર ICC એ જાહેર કરેલ અમ્પાયરના નામના એલાન સાથે મળ્યા છે.
તમને હવે એમ થતું હશે કે, વળી અંમ્પાયરના નામ જાહેર થયા એમા ચાહકોને કેમ રાહત. તો એના પાછળ કારણ કંઈક ખાસ રહેલું છે. કારણ કે અંપાયરના નામ અને ભારતીય ચાહકોની નિરાશા વચ્ચે કેટલોક સંયોગ રહ્યો છે. જેને લઈ ચાહકો માની રહ્યા છે કે, જાહેર થયેલા ફિલ્ડ અંપાયરોના નામને લઈ રાહત મળી શકે છે.
T20 વિશ્વકપ ફાઈનલ મેચ માટે અંપાયરના નામની યાદી જાહેર થઈ ચૂકી છે. જેમાં ફિલ્ડ અંપાયર તરીકે આ વખતે જવાબદારી ક્રિસ ગૈફની અને રિચર્ડ ઈલિંગવર્થને સોંપવામાં આવી છે. જ્યારે ટીવી અંપાયર તરીકેની ભૂમિકા રિચર્ડ કેટલબોરોને સોંપવામાં આવી છે. જ્યારે ચોથા અંપાયર તરીકે રોડની ટક્કર જવાબદારી સંભાળશે.
આમ ફિલ્ડ અંપાયર તરીકે રિચર્ડ કેટલબોરો જોવા નહીં મળવાની વાત સાંભળીને રાહત ભારતીય ક્રિકેટ ચાહકો અનુભવી રહ્યા છે. કારણ કે જ્યારે જ્યારે તેઓ ફિલ્ડ અંપાયર તરીકે ભારતીય ટીમની મેચ હોય ત્યારે જોવા મળ્યા છે, ત્યારે ચાહકોએ નિરાશા જ મેળવી છે. કારણ કે ભારતીય ટીમને હાર જ નસીબ થઈ હોવાનું મોટે ભાગે રહ્યું છે. બસ આ સંયોગને લઈ ભારતીય ચાહકો રાહત અનુભવી રહ્યા છે.
જ્યારે જ્યારે ICC નોકઆઉટ મેચમાં રિચર્ડ કેટલબોરોએ અંપાયરીંગ કર્યું છે, ત્યારે ભારતીય ટીમ મેચ રમી રહી હોય તો હાર જ મળી છે. આવું એક, બે કે ત્રણ વાર નહીં પરંતુ અત્યાર સુધીમાં 6 વાર થયું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના ક્રિકેટ ચાહકો આ વખતે ટી20 વિશ્વકપની નોકઆઉટ મેચ પહેલાથી જ પ્રાર્થના કરી રહ્યા હતા.
વર્ષ 2014થી ભારતીય ક્રિકેટ ચાહકોને આ અનુભવ થઈ રહ્યો હતો. જેમાં 2014માં ભારતીય ટીમે T20 વિશ્વકપ, 2015 વનડે વિશ્વકપ સેમીફાઈનલ, T20 વિશ્વકપ 2016 ની સેમીફાઈલ, 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, વનડે વિશ્વકપ 2019ની સેમીફાઈનલ અને વનડે વિશ્વકપ 2023 ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે હાર મેળવી હતી. જે મેચોમાં ફિલ્ડ અંપાયર તરીકે રિચર્ડ કેટલબોરો જોવા મળ્યા હતા. બસ આ સંયોગને લઈને જ ભારતીય ચાહકો નોક આઉટ મેચોમાં ફિલ્ડ અંપાયર તરીકે ફરીથી રિચર્ડ જોવા ના મળે એ માટે પ્રાર્થના કરતા હતા.
Published On - 6:39 pm, Fri, 28 June 24