આંકડા ખોલે છે ‘પોલ’! સંજુ કે ઈશાન? આખરે T20 વર્લ્ડ કપમાં કોણ કરશે ‘ઓપનિંગ’? સૂર્યકુમાર યાદવે કર્યો ‘મોટો ખુલાસો’

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કોણ કરશે? આ ક્રમ માટે સંજુ સેમસન અને ઈશાન કિશન વચ્ચે જબરદસ્ત જંગ છેડાઈ છે. જો કે, આ વાતને લઈને સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે.

આંકડા ખોલે છે પોલ! સંજુ કે ઈશાન? આખરે T20 વર્લ્ડ કપમાં કોણ કરશે ઓપનિંગ? સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો
Image Credit source: PTI
| Updated on: Feb 01, 2026 | 8:15 PM

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કોણ કરશે? આ ક્રમ માટે સંજુ સેમસન અને ઈશાન કિશન વચ્ચે જંગ છેડાઈ છે. એક તરફ સેમસનને ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળતું રહ્યું છે અને બીજી તરફ ઈશાન કિશનનું જોરદાર કમબેક થયું છે. સુનીલ ગાવસ્કર કહી ચૂક્યા છે કે, તેઓ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં સેમસનને જગ્યા નહીં આપે. જો કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતે આ સવાલનો જવાબ આપીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જિયોહોટસ્ટાર (JioHotstar) સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંજુ સેમસન અને ઈશાન કિશનમાંથી ઓપનિંગ કોણ કરશે, તેનો નિર્ણય 7 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે.

આ જ દિવસે ટીમ ઈન્ડિયા તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો સામનો યુએસએ (USA) સામે થવાનો છે. સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે, 7 ફેબ્રુઆરીએ જ્યારે પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવશે, ત્યારે જ ખબર પડશે કે, ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની જવાબદારી કોને સોંપવામાં આવશે.

કિશનનું ‘મજબૂત કમબેક’

ઈશાન કિશનની વાત કરીએ તો, તેણે અંદાજે બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં તેણે 4 ઈનિંગ્સમાં બેટિંગ કરી અને 53.75ની શાનદાર એવરેજથી 215 રન ફટકાર્યા હતા.

આ સીરીઝમાં તેના બેટથી એક સદી અને એક અડધી સદી પણ જોવા મળી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી ફાઇનલ T20 મેચમાં તેણે માત્ર 43 બોલમાં 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

સંજુનો ‘ફ્લોપ શો’

બીજી તરફ સંજુ સેમસને વર્ષ 2024માં 5 ઇનિંગ્સમાં જ 3 સદી ફટકારી દીધી હતી પરંતુ ત્યારબાદ ઓપનર તરીકે તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી સેમસને ઓપનર તરીકે 11 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાંથી તેના બેટથી એક પણ ફિફ્ટી નીકળી નથી. આ 11 ઇનિંગ્સમાં તે માત્ર 134 રન જ બનાવી શક્યો છે. બીજું કે, ન્યૂઝીલેન્ડ સામેની 5 ઇનિંગ્સમાં તે માત્ર 46 રન જ કરી શક્યો હતો.

આ પણ વાંચો: આ 7 બોલ પર હતી આખા સ્ટેડિયમની નજર… ઈશાન કિશનનો ઐતિહાસિક પરાક્રમ, સદીનો વિસ્ફોટ