
નેધરલેન્ડના ઓપનર માઈકલ લેવિટે પાકિસ્તાન સામેની મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ સાથે આવું પરાક્રમ કરનાર તે નેધરલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
માઈકલ લેવિટે નેધરલેન્ડની ઇનિંગ્સની પહેલી જ ઓવરના પ્રથમ બોલ પર શાહીન આફ્રિદીને ચોગ્ગો ફટકારીને આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ યાદીમાં દિગ્ગજ ક્રિસ ગેલનું નામ પણ છે, જેણે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે આ પરાક્રમ કર્યું હતું.
નેધરલેન્ડ સામે પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ માઈકલ લેવિટે શાહીન આફ્રિદીની જોરદાર ધોલાઈ કરી હતી. લેવિટે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા શાહીનને પ્રથમ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યારબાદ ત્રીજી ઓવરમાં (તેની બીજી ઓવર) નેધરલેન્ડના બેટ્સમેનોએ તેની સામે 14 રન ઝૂડી કાઢ્યા હતા.
એકંદરે નેધરલેન્ડની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં સમેટાઇ ગઈ હતી. હાલ પાકિસ્તાનની ટીમે 4.4 ઓવરમાં 53 રન ઠોકી દીધા છે અને 1 વિકેટ ગુમાવી દીધી છે. મેચની પરિસ્થિતિને જોતાં પાકિસ્તાનનું પલડું ભારે છે અને જીત માટે ફક્ત 95 રનની જરૂર છે.