
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન લગભગ એક IPL ટીમનો માલિક બની ગયો હતો. તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં સલમાનને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં IPLમાં ટીમ ખરીદશે? આ પ્રશ્નના જવાબમાં સલમાન ખાને કહ્યું કે તે હવે IPL ટીમ માટે ખૂબ વૃદ્ધ થઈ ગયો છે. સલમાન ખાને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેણે 2008માં એક નિર્ણય લીધો હતો, જેના કારણે તેની પાસે IPLમાં ટીમ નથી.
સલમાન ખાનના મતે, તેને 2008 માં IPL ટીમ ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે ટીમ ન ખરીદવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે તેને IPL ટીમ ન ખરીદવાના પોતાના નિર્ણયનો કોઈ અફસોસ નથી. તે ખુશ છે.
સલમાન ખાનના એ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે તેના ચાહકો ક્રિકેટ પિચ પર કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથેની તેની લડાઈ જોવાથી વંચિત રહી ગયા. રૂપેરી પડદે, શાહરૂખ અને સલમાન વચ્ચે તેમની ફિલ્મોમાં ઘણી ટક્કર થઈ. પરંતુ ક્રિકેટના મેદાન પર તેમની ટીમો વચ્ચેની સ્પર્ધા જોવાનું સ્વપ્ન જ રહી ગયું.
2008માં, સલમાન ખાન ઉપરાંત, અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓને પણ IPL ટીમ ખરીદવાની ઓફર મળી હતી, જેમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને શિલ્પા શેટ્ટીએ આ T20 લીગમાં રોકાણ કર્યું હતું. આજે પણ શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા IPLમાં ટીમ માલિક તરીકે સક્રિય છે.
શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે જ્યારે પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં 3 વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે. બીજી તરફ, પ્રીતિ ઝિન્ટાની ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તે IPL 2025ની ફાઈનલિસ્ટ હતી.
આ પણ વાંચો: ધોનીનો માનહાનિ કેસ : હાઈકોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ, 100 કરોડ રૂપિયા દાવ પર