SA20 ની પ્રથમ સિઝનનુ ચેમ્પિયન સનરાઈઝર્સ બન્યુ, ફાઈનલમાં પ્રેટોરિયસને 4 વિકેટથી હરાવ્યુ
SA20 final: સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપને માત્ર 137 રનનુ જ લક્ષ્ય મળ્યુ હતુ, જે ટાર્ગેટ 17મી ઓવરમાં જ પાર કરી લઈને પ્રિટોરીયસને હરાવી ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો.
દિલ્લી કેપિટલ્સનુ નસીબ IPL માં તો સાથ નથી જ આપી રહ્યુ, પરંતુ સમંદર પાર દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી T20 ક્રિકેટ લીગમાં પણ આવા જ હાલ રહ્યા છે. દિલ્લી કેપિટલ્સ ટીમની ફ્રેન્ચાઈઝી SA20 માં પ્રિટોરિયા કેપિટલ્સ ટીમ ધરાવે છે. આ ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ સામે 4 વિકેટથી હારી ગઈ છે. SA20 લીગની ફાઈનલ મેચમાં પ્રિટોરીયા અને સનરાઈઝર્સ વચ્ચે જ્હોનિસબર્ગમાં રમાઈ હતી. સનરાઈઝર્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ સિઝનનુ ટાઈટલ સનરાઈઝર્સ મેળવવામાં સફળ રહ્યુ હતુ.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 135 રનમાંજ પ્રિટોરીયા કેપિટલ્સ ટીમ સમેટાઈ ગઈ હતી. 20મી ઓવરના ત્રીજા બોલ પર આદીલ રશિદની વિકેટ ગુમાવતા ટીમ ઓલઆઉટ થઈ હતી. 100 રનના આંકડે પહોંચી ત્યાં લગી ટીમે 4 વિકેટ ગુમાવી હતી. જોકે 100 થી 135 રનના દરમિયાન બાકીની 6 વિકેટ ગુમાવી દીધી હતી.
The 12th of February will forever be remembered as the day the @SunrisersEC were crowned the inaugural #Betway #SA20 champions. Read the full, final match report here: https://t.co/PeC2jJAN7W @betway_india pic.twitter.com/N1T00XcT0E
— Betway SA20 (@SA20_League) February 12, 2023
એડમની શાનદાર અડધી સદી
આસાન લક્ષ્યને પાર કરવાની શરુઆત કરતા સનરાઈઝર્સ ટીમે 11 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ટેમ્બા બાવુમાના રુપમાં ગુમાવી હતી. તેણે માત્ર 2 રન નોંધાવી એથન બોસના બોલ પર બોલ્ડ થઈ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ઓપનર એડમ રોસિગ્ટન અને જોર્ડન હર્મને ટીમની જવાબદારી સંભાળી હતી. બંનેએ સ્કોર બોર્ડને લક્ષ્ય તરફ આગળ વધાર્યુ હતુ. જોકે હર્મન 17 બોલનો સામનો કરીને 22 રન નોંધાવી પરત ફર્યો હતો. એડન માર્કરમે બાદમાં એડમને સાથ પૂરાવ્યો હતો. એડમે 19 બોલમાં 26 રન નોંધાવ્યા હતા.
એડમે 30 બોલનો સામનો કરીને 57 રન આક્રમક અદાજથી નોંધાવ્યા હતા. એડમે 5 છગ્ગા અને 4 ચોગ્ગા જમાવ્યા હતા. તેની આ રમતે જ જીતને વધારે આસાન બનાવી દીધી હતી. એડમે 103 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યાં સુધીમાં મેચ એક તરફી બની ચુકી હતી. ટ્રિસ્ટન સ્ટબ્બસે 12 બોલનો સામનો કરીને 5 રન નોંધાવ્યા હતા. જ્યારે જોર્ડન કોક્ષે 5 બોલનો સામનો કરીને 7 રન નોંધાવ્યા હતા. માર્કો યાનસેને 11 બોલમાં 13 રન નોંધાવ્યા હતા.
વેન ડેર મર્વએ પ્રિટોરીયાને નિયંત્રણમાં રાખ્યુ
નેધરલેન્ડ્સના ડાબા હાથના અનુભવી સ્પિનર રોએલોફ વાન ડેર મર્વેની જબરદસ્ત બોલિંગના આધારે પ્રથમ બોલિંગ કરનાર સનરાઇઝર્સે પ્રિટોરિયાને મોટો સ્કોર કરવાની તક આપી ન હતી. ફિલ સોલ્ટ, રિલે રુસો, કુસલ મેન્ડિસ જેવા વિસ્ફોટક બેટ્સમેન સનરાઇઝર્સની બોલિંગ સામે નિષ્ફળ રહ્યા હતા. તેમના માટે મેન્ડિસે સૌથી વધુ 21 રન બનાવ્યા અને તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નહીં. વેન ડેર મર્વેએ 4 ઓવરમાં 31 રન આપ્યા અને 4 મોટા શિકાર બનાવ્યા.