
ભારતીય ટીમમાંથી વનડે કેપ્ટન તરીકે હટાવાયા બાદ રોહિત શર્મા સતત ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા પછી પણ, BCCIએ રોહિતને ODI ટીમની કેપ્ટનશીપથી દૂર કરી અને તેના સ્થાને યુવા ખેલાડી શુભમન ગિલને જવાબદારી સોંપી. T20 બાદ હવે ODIમાં પણ રોહિતના કપ્તાની ગુમાવવાની સાથે ઘણા સવાલો ઊભા થયા છે. આ બધા વચ્ચે રોહિતે મોટું નિવેદન સામે આપ્યું છે જેમાં તેણે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.
રોહિત શર્મા તાજેતરમાં “CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ” કાર્યક્રમમાં હાજર રહ્યો હતા, જ્યાં તેણે જણાવ્યું કે, “મને મારી ટીમ ખૂબ જ પસંદ છે અને હું તેમના સાથે રમવાનું એન્જોય કરું છું. આપણે છેલ્લા ઘણાં વર્ષોથી આ સફર પર છીએ. ઘણીવાર ટ્રોફી જીતવાની નજીક આવ્યા છતાં સફળ નહોતા થયા. પછી અમે વિચાર્યું કે હવે કંઈક અલગ કરવું પડશે. આ નિર્ણય ફક્ત એક કે બે ખેલાડીઓ નહીં, પણ આખી ટીમે મળીને લીધો હતો. દરેક ખેલાડીએ આ વિચારધારાને સ્વીકારી અને તેનો અમલ કર્યો.”
રોહિતે વધુમાં કહ્યું કે, “T20 વર્લ્ડ કપ માટે તૈયારી દરમ્યાન રાહુલ ભાઈ (દ્રવિડ)ની પ્રક્રિયાઓ અમને ખૂબ ઉપયોગી બની. તે પ્રક્રિયાને અમે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ ચાલુ રાખી.” અહીં નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ હતો, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ગૌતમ ગંભીર મુખ્ય કોચ હતો. છતાં રોહિતે પોતાના નિવેદનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતાનું શ્રેય દ્રવિડને આપ્યું.
આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે રોહિત શર્માએ ગૌતમ ગંભીરના કોચિંગ વિશે સીધું કંઈ નહોતું કહ્યું, પરંતુ દ્રવિડના કાર્યકાળ દરમિયાન સ્થપાયેલી પ્રક્રિયાઓની ખુલ્લેઆમ પ્રશંસા કરીને ગંભીરના યોગદાન અંગે સવાલ ઉભા કર્યા છે. સાથે જ વિરાટ, રોહિત અને અન્ય સિનિયર ખેલાડીઓની ટીમમાંથી છુટ્ટી પાછળ કોનો હાથ હોઈ શકે અને કોચ સાથેના અણબનાવની વાતોને પણ વેગ આપ્યો છે. કોઈનું નામ લીધા વિના થયેલ આ ટિપ્પણી બાદ ક્રિકેટજગતમાં નવી ચર્ચા શરુ થઈ ગઈ છે .
આ પણ વાંચો: 172 બોલમાં એક પણ રન નહીં, સ્ટાર બેટ્સમેનોનું ખરાબ ફોર્મ, વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન