કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી સીરીઝ 2-0થી કબજે કરી હતી. આમ છતાં કેપ્ટન રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની ચિંતા વધી ગઈ છે. તેની પાછળનું કારણ મોહમ્મદ શમીની ઈજા છે. વાસ્તવમાં, પગની ઘૂંટીની ઈજા બાદ સર્જરી કરાવીને પરત ફરેલો શમી, બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના ઘૂંટણમાં સોજો આવી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસને જોતા શમીની નવી ઈજાએ ટીમ ઈન્ડિયાને ચિંતામાં મૂકી દીધી છે.
મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાના મુખ્ય પેસ એટેકનો હિસ્સો છે. ઈજાના કારણે તે લગભગ છેલ્લા 10 મહિનાથી ટીમની બહાર છે. ફેબ્રુઆરીમાં સર્જરી બાદ તેણે હવે રિહેબ શરૂ કરી દીધું હતું. મીડિયા અહેવાલ મુજબ, તે એનસીએમાં ઝડપથી રિકવરી કરી રહ્યો હતો પરંતુ તે દરમિયાન તેના ઘૂંટણમાં સોજો આવી ગયો. તેનાથી મોહમ્મદ શમીની વાપસીમાં વિલંબ થઈ શકે છે. તેમને લગભગ 6 થી 8 અઠવાડિયા લાગી શકે છે. શમી 11 ઓક્ટોબરથી રણજી ટ્રોફીમાં બંગાળ માટે ભાગ લઈને ક્રિકેટમાં પુનરાગમન કરવા જઈ રહ્યો હતો.
કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતા પહેલા તેને 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે તક આપવાનું વિચારી રહ્યા હતા. જોકે, હવે આવું થવું મુશ્કેલ લાગે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવામાં હવે માત્ર 2 મહિના બાકી છે. WTC ફાઈનલ પહેલા 22 નવેમ્બરથી રમાનાર આ 5 મેચની ટેસ્ટ સિરીઝ ઘણી મહત્વની રહેશે.
આ શ્રેણી પહેલા મોહમ્મદ શમીનું ફિટ હોવું ખૂબ જ જરૂરી હતું. કારણ કે, તેણે 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ બાદ કોઈ મેચ રમી નથી. જ્યારે શમીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023માં ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં રમી હતી. આવી સ્થિતિમાં, તેમના માટે સમય પહેલા ફિટ બનવું અને પ્રેક્ટિસ કરવી મહત્વપૂર્ણ છે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર NCA મેડિકલ ટીમ માટે આ એક મોટો ફટકો છે. કારણ કે આખી મેડિકલ ટીમ લગભગ એક વર્ષથી શમી પર કામ કરી રહી હતી. હવે મેડિકલ ટીમે તેને ફરીથી ફિટ બનાવવાની શરૂઆત કરી છે. BCCIની મેડિકલ ટીમ ખેલાડીઓની રિકવરી પ્રક્રિયાને ધીમી રાખે છે. જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી કોઈપણ ખેલાડીને સર્જરી કરવામાં આવતી નથી. જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલના કિસ્સામાં તેણે રિહેબની મદદ લીધી હતી. શમીની વાત કરીએ તો તેને સર્જરી પૂર્ણ કરવામાં 4 મહિનાનો સમય લાગ્યો હતો.