IND vs SA: અલગ-અલગ ડિઝાઈનના જૂતા પહેરી મેદાનમાં ઉતર્યો પંત, તોડ્યો સેહવાગનો મોટો રેકોર્ડ

કોલકાતા ટેસ્ટમાં રિષભ પંત બે અલગ-અલગ ડિઝાઈનના જૂતા પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. પંતના જૂતા ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યા હતા. પંતે પોતાની ઈનિંગમાં એક જોરદાર સિક્સર ફટકારી હતી અને એક મોટો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.

IND vs SA: અલગ-અલગ ડિઝાઈનના જૂતા પહેરી મેદાનમાં ઉતર્યો પંત, તોડ્યો સેહવાગનો મોટો રેકોર્ડ
Rishabh Pant
Image Credit source: X
| Updated on: Nov 15, 2025 | 1:36 PM

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે રિષભ પંત ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. તે અગાઉ પગમાં ઈજાને કારણે બહાર હતો. ટીમમાં પાછા ફર્યા બાદ રિષભ પંત કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પહેલી ઈનિંગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે બે અલગ અલગ ડિઝાઈનના જૂતા પહેરેલો જોવા મળ્યો હતો. પંતનો બંને પગમાં અલગ અલગ ડિઝાઈનના જૂતા પહેરેલો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પંતે આ ઈનિંગ દરમિયાન વીરેન્દ્ર સેહવાગનો મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો.

પંતના બે અલગ-અલગ ડિઝાઈનના જૂતા

શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયા પછી રિષભ પંત બેટિંગ કરવા આવ્યો. મેદાન પર ઉતરતાની સાથે જ તેના જૂતા ચર્ચાનો વિષય બની ગયા. રિષભ પંતના એક જૂતા આગળના ભાગમાં કાળા હતા. જોકે, બીજા જૂતા આગળના ભાગમાં સફેદ હતા. પંતે તે જ પગમાં કાળા રંગના જૂતા પહેર્યા હતા જે પગમાં ઈજા થઈ હતી અને હવે તે ઈજામાંથી સાજો થયો છે. શક્ય છે કે આ જૂતા તે પગને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા હોય.

 

પંતે સેહવાગનો એક મોટો રેકોર્ડ તોડ્યો

ઈડન ગાર્ડન્સમાં બે અલગ અલગ ડિઝાઈનના જૂતા પહેરીને રમવા ઉતરેલા રિષભ પંતે વીરેન્દ્ર સેહવાગનો એક મોટો રેકોર્ડ તોડ્યો હતો. કોલકાતા ટેસ્ટની પહેલી ઈનિંગમાં પંતે 24 બોલનો સામનો કર્યો અને 27 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઈનિંગ દરમિયાન રિષભ પંતે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો અને એક રેકોર્ડ બનાવ્યો.

 

ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય

રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો. વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં 90 છગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા ટેસ્ટ પહેલા રિષભ પંત 90 છગ્ગા સાથે સેહવાગ સાથે બરાબરી પર હતો. પંતે ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની ઈનિંગમાં પહેલો છગ્ગો મારીને સેહવાગનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 92 છગ્ગા છે, જે એક નવો રેકોર્ડ છે.

આ પણ વાંચો: Breaking News: રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ છોડી રાજસ્થાનમાં સામેલ, સંજુ સેમસન CSK માં રમશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો