ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર હજુ પણ સંકટના વાદળો છવાયેલા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધો અને પાકિસ્તાનમાં સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા જાય તેવી શક્યતા નથી. છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે તેમના દેશમાં આવશે અને હવે તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સામે એક નવી ઓફર પણ મૂકી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે PCBએ તો ત્યાં સુધી કહ્યું છે કે ટીમ ઈન્ડિયા દરેક મેચ રમીને ભારત પરત ફરી શકે છે અને પાકિસ્તાની બોર્ડ આમાં તેમની મદદ કરશે.
ક્રિકબઝે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની બોર્ડે હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં આમંત્રિત કરવાની ખાસ ઓફર આપી છે. રિપોર્ટ અનુસાર, PCBએ કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં રહેવા માંગતી નથી અને દરેક મેચ પછી ચંદીગઢ અથવા નવી દિલ્હી પરત ફરવા માંગે છે, તો ક્રિકેટ બોર્ડ આ મામલે સંપૂર્ણ મદદ કરવા તૈયાર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની બોર્ડના એક અધિકારીએ આ ઓફરની પુષ્ટિ કરી છે. આ વિકલ્પ આપવાનું એક મોટું કારણ ટીમ ઈન્ડિયાની છેલ્લી બે મેચ વચ્ચે એક અઠવાડિયાનું અંતર છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે થોડા મહિના પહેલા જ ચેમ્પિયન્સ ટ્રોફીનું સંભવિત શિડ્યુલ જાહેર કર્યું હતું. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9મી માર્ચ સુધી ચાલશે અને 3 શહેરોમાં આયોજિત થશે. PCBએ તે સમયે ટીમ ઈન્ડિયાની તમામ ગ્રૂપ મેચો માત્ર લાહોરમાં જ આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ટીમ ઈન્ડિયાની સુરક્ષાને વધારે ખતરો ન રહે. વળી, લાહોરથી ભારતનું અંતર માત્ર થોડાક જ કિલોમીટર છે. આને ધ્યાનમાં રાખીને PCBએ BCCIને દરેક મેચ બાદ ભારત પરત ફરવાનો નવો વિકલ્પ આપ્યો છે. જો કે આ વિકલ્પ હોવા છતાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની આશા ઓછી છે. BCCI આ મામલે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે અને દેશની સરકાર જે કહેશે તે થશે.
જો કે, છેલ્લા 3-4 દિવસમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ થવાનો ગણગણાટ થઈ રહ્યો છે. તેનું કારણ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત છે, જેઓ તાજેતરમાં SCO સંમેલન માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. છેલ્લા 9 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે ગયા છે. અહીં જયશંકર પાકિસ્તાની વિદેશ મંત્રીને પણ મળ્યા હતા. પાકિસ્તાની મીડિયાએ પણ આ દરમિયાન દાવો કર્યો હતો કે બંને વિદેશ મંત્રીઓ વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસી અંગે ચર્ચા થઈ હતી અને આ દરમિયાન પાકિસ્તાની બોર્ડના વડા મોહસિન નકવીએ પણ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ આ ચર્ચાને નકારી કાઢી હતી.
આ પણ વાંચો: IND vs NZ : વિરાટ કોહલી દિવસના છેલ્લા બોલ પર થયો આઉટ, સદી ફટકારવાની તક ગુમાવી