વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર, આ બે નામ ભારતીય ક્રિકેટમાં ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. બંને અનુભવી ખેલાડી છે પરંતુ એ પણ સાચું છે કે તેમના સંબંધોમાં ઘણી વખત તણાવ જોવા મળે છે. હાલમાં જ ગાવસ્કર અને વિરાટ વચ્ચે વધુ એક વિવાદ થયો છે, જેમાં હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ પણ કૂદી પડ્યા છે. વસીમ અકરમે વિરાટ કોહલીને સલાહ આપી છે કે તેણે આવી વાત ન કરવી જોઈએ. અકરમે ગાવસ્કરને પણ સમર્થન આપ્યું હતું કે બેટ્સમેનની શક્તિ અને નબળાઈઓ વિશે જણાવવાનું કોમેન્ટેટર્સનું કામ છે.
વસીમ અકરમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, વિરાટ અને ગાવસ્કર બંને મહાન ખેલાડી છે. હું સુનીલ ગાવસ્કરને મેદાનની બહારથી જાણું છું. તેઓ વર્ષોથી કોમેન્ટ્રી કરે છે. જ્યારે વિરાટ કોહલી ટોચનો ખેલાડી છે. તેણે ઘણા રન બનાવ્યા છે પરંતુ તેણે આવી વાત ન કરવી જોઈએ.’ વાસ્તવમાં સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી, વિરાટે આગલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરીને તેના પર સવાલ ઉઠાવનારા કોમેન્ટેટર્સનો જવાબ આપ્યો. આ પછી સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા અને લાઈવ શોમાં તેમણે આઈપીએલ બ્રોડકાસ્ટિંગ ચેનલને ફટકાર લગાવી જે વિરાટના આ નિવેદનને વારંવાર ચલાવી રહી હતી. ગાવસ્કરનું માનવું છે કે વિરાટના આ નિવેદનથી ચેનલ તેના પોતાના કોમેન્ટેટર્સને બદનામ કરી રહી છે.
વિરાટ કોહલીએ આ સિઝનમાં 11 મેચમાં 542 રન બનાવ્યા છે. ઓરેન્જ પણ તેની પાસે જ છે. વિરાટની એવરેજ 67.75 છે અને મોટી વાત એ છે કે તેનો સ્ટ્રાઈક રેટ 150ની આસપાસ છે. 2016 પછી પહેલીવાર વિરાટનો સ્ટ્રાઈક રેટ 150ની નજીક છે. મતલબ કે વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાના રનની ગતિ વધારી છે. હવે આ બધું કર્યા પછી પણ જો તેની બેટિંગ પર સવાલો ઉઠશે તો તેની પ્રતિક્રિયા ચોક્કસ આવશે અને પછી વિરાટ ચોક્કસપણે ચૂપ રહેવાનો નથી.