ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સામે રમાનારી વનડે શ્રેણી પહેલા મુશ્કેલીમાં છે. કેન રિચર્ડસન (Kane Richardson) ને શ્રેણીમાંથી બાકાત રાખવાને કારણે તેની મુશ્કેલી વધી ગઈ છે. રિચર્ડસનના બહાર થયા બાદ ઓસ્ટ્રેલિયાનું પેસ આક્રમણ બિનઅનુભવી બની ગયું છે. પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હવે જે પેસ આક્રમણ સાથે મેદાનમાં ઉતરશે, તેવુ બિનઅનુભવી એટેક આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યુ હશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે 29 માર્ચથી વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 3 ODI શ્રેણીની તમામ મેચ લાહોરમાં રમાશે.
કેન રિચર્ડસનને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે, જેના કારણે તેણે આ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે. સોમવારે મેલબોર્નમાં પ્રશિક્ષણ દરમિયાન રિચર્ડસનને ઈજા થઈ હતી. તેના સ્થાને ડાબોડી બોલર બેન ડ્વારશુઈસને ODI અને T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મિચેલ સ્ટાર્ક, જોસ હેઝલવુડ અને પેટ કમિન્સ પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ મેચ પૂરી થતાં જ ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આવી સ્થિતિમાં કેન રિચર્ડસન ઓસ્ટ્રેલિયન પેસ એટેકનો સૌથી અનુભવી લડવૈયો હતો. પરંતુ, ઈજાના કારણે તે પણ હવે ટીમ સાથે રહેશે નહીં. અને, જે ઝડપી બોલરો બાકી રહ્યા છે, તેમાં જેસન બેહરનડોર્ફ 11 ODIનો સૌથી વધુ અનુભવ ધરાવે છે. તે જ સમયે, સેન એબોટ અત્યાર સુધીમાં 2 વનડે રમી ચૂક્યો છે. જ્યારે નાથન એલિસ અને ડ્વારશુઈસ હજુ ડેબ્યુ કરવાનું બાકી છે.
જો કે, ODI શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્પિન આક્રમણમાં કોઈ કમી નહીં આવે. ટીમમાં એડમ ઝમ્પા હશે જેને 61 વનડે રમવાનો અનુભવ છે. જ્યારે એસ્ટન અગરને 15 વનડે રમવાનો અનુભવ છે.
જોકે, ઓસ્ટ્રેલિયાના સફેદ બોલના કેપ્ટન એરોન ફિન્ચને સંપૂર્ણ આશા છે કે પેસ એટેક નવો લાગી રહ્યો છે, પરંતુ તે પ્રદર્શનને મજબૂત બનાવશે. તેણે કહ્યું કે બોલરોને વધુને વધુ ટી20 મેચ રમવાનો ફાયદો મળશે. બેહરનડોર્ફ, એબોટ અને એલિસ પાસે 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોનો સંયુક્ત અનુભવ છે. આ સિવાય તેની પાસે આઈપીએલનો અનુભવ પણ છે. તે જ સમયે, ડ્વારશુઈસને ઘરેલુ ક્રિકેટમાં 100 થી વધુ T20 મેચ રમવાનો અનુભવ છે. ફિન્ચના મતે આ ખેલાડીઓ પાકિસ્તાન સામેની વનડે શ્રેણીમાં પોતાના અનુભવનો ફાયદો ઉઠાવશે.
Published On - 11:43 am, Tue, 22 March 22