
મુંબઈ ઇન્ડિયન્સની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ટીમની કેપ્ટનશિપ અંગે ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યા બાદ હવે શું રોહિત શર્મા ફરી એકવાર મુંબઈનો કેપ્ટન બનશે? આ અંગે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મુંબઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દેખાતી 27.11.26 તારીખ અને રહસ્યમય દૃશ્યોએ આખરે શું જાહેરાત થવાની છે તે અંગે સસ્પેન્સ વધારી દીધો છે.
હાલમાં ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ભારતમાં ક્રિકેટ ચાહકો દર વર્ષે યોજાતી આઈપીએલની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે પણ ચાહકોમાં આગામી સિઝનને લઈને ભારે ઉત્સાહ છે. આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગની 20મી સિઝન રમાવાની છે.
આ સિઝનની તૈયારીઓ વચ્ચે તાજેતરમાં જ રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ દરમિયાન ટૂર્નામેન્ટની તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી બાહર પાડી છે. હવે ચાહકોની નજર આઈપીએલ 2027ની હરાજી પર છે. જોકે, હરાજી પહેલાં જ એક મોટી ટીમમાં કંઈક મોટું થવાની શક્યતા જોવા મળી રહી છે.
મુંબઈ ઇન્ડિયન્સે ટીમના અગાઉના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિલીઝ કર્યો છે. હવે હાર્દિક બાદ મુંબઈની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રોહિત શર્મા ફરી એકવાર મુંબઈના કેપ્ટન તરીકે જોવા મળશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
આ ચર્ચાઓ પાછળનું કારણ છે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા અને વીડિયો. મુંબઈ ઇન્ડિયન્સે થોડા સમય પહેલાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 27.11.26 તારીખ જોવા મળે છે. સાથે જ મુંબઈ ઇન્ડિયન્સનું હેલ્મેટ, હવામાં ઊડતી ધૂળ, બારીમાં બેઠેલું એક કબૂતર અને રહસ્યમય પડછાયાઓ જોવા મળે છે.
માત્ર 10 સેકન્ડના આ વીડિયોએ ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ કોમેન્ટ્સમાં રોહિત શર્માનું નામ લેવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે તેઓ મુંબઈના રાજાની રાહ જોઈ રહ્યા છે અને તે જલ્દી પાછો આવવાનો છે.
દરમિયાન, એક દિવસ પહેલાં પણ મુંબઈ ઇન્ડિયન્સે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં એક હાથમાં મુંબઈ ઇન્ડિયન્સની કેપ પકડેલી જોવા મળી હતી. આ ફોટો સામે આવ્યા બાદ પણ ચાહકોએ રોહિત શર્માનું નામ લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
જોકે, હવે રોહિત શર્મા કે અન્ય કોઈ ખેલાડી મુંબઈની કેપ્ટનશિપ સંભાળશે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સની આ રહસ્યમય પોસ્ટ્સને કારણે ચાહકોને કોઈ મોટી જાહેરાત થવાની આશા છે. હવે સૌની નજર એ વાત પર છે કે 27 નવેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સ કોના નામની જાહેરાત કરશે અને ટીમના નવા કેપ્ટન તરીકે કયો ચહેરો સામે આવશે.