IND vs AUS: 176.5 kph ની ઝડપે બોલ ફેંક્યો! મિશેલ સ્ટાર્કે ભારત સામે પર્થમાં શોએબ અખ્તરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો કે પછી…?

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટીમ ઈન્ડિયા સામે પહેલી વન-ડેમાં શાનદાર બોલિંગ કરી હતી. જો કે, સ્ટાર્કના એક જ બોલે પર્થમાં હોબાળો મચાવ્યો હતો.

IND vs AUS: 176.5 kph ની ઝડપે બોલ ફેંક્યો! મિશેલ સ્ટાર્કે ભારત સામે પર્થમાં શોએબ અખ્તરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો કે પછી...?
Image Credit source: James Worsfold-CA/Cricket Australia via Getty Images
| Updated on: Oct 19, 2025 | 8:45 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી પહેલી વન-ડે રમી રહેલી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. આ મેચ દરમિયાન યજમાન ટીમના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે જલવો વિખેર્યો હતો. તેણે રોહિત શર્માને 176.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જો કે, બાદમાં હકીકત બહાર આવતાં મામલો થાળે પડ્યો હતો.

પર્થમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી. રોહિત શર્માએ મિશેલ સ્ટાર્કના પહેલા બોલનો સામનો કર્યો. રોહિતે આ બોલ પર રન લીધો પરંતુ સ્પીડ ગનમાં મિશેલ સ્ટાર્ક 176.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે, તેવું દેખાડતાં સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ.

જો કે, ICC કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદનમાં સ્ટાર્કે તે ઝડપે બોલિંગ કરી હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. આ કદાચ ટેકનિકલ ભૂલ હતી, કારણ કે ક્રિકબઝના અહેવાલ મુજબ તેની વાસ્તવિક ગતિ લગભગ 140.8 કિમી પ્રતિ કલાક હતી. ત્યારબાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું અને કહ્યું કે, સૌથી ઝડપી બોલિંગનો રેકોર્ડ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે.

મિશેલ સ્ટાર્કે હજુ સુધી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો નથી

ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્ષ 2003માં ઇંગ્લેન્ડ સામેની વન-ડેમાં 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. મિશેલ સ્ટાર્કે હજુ સુધી તેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો નથી, કારણ કે તેણે પોતાનો પહેલો બોલ લગભગ 140.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો.

આ પણ વાંચો: શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?