
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલનું વિમેન્સ પ્રીમિયર લીગમાં ડેબ્યૂ શાનદાર અને યાદગાર રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પહેલી જ મેચમાં તેણે એવી ઘાતક બોલિંગ કરી કે MIના બેટ્સમેનો રન બનાવવા માટે તરસી ગયા. બેલે ચાર ઓવરના પોતાના સ્પેલમાં કુલ 19 ડોટ બોલ ફેંકીને મેચનો માહોલ જ બદલી નાખ્યો…
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026ની પહેલી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને RCBએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને લોરેન બેલે આ નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય સાબિત કર્યો. ડેબ્યૂ મેચમાં જ તેણે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઇન-અપને ભારે દબાણમાં મૂકી દીધી.
લોરેન બેલે મેચની શરૂઆત મેડન ઓવરથી કરી હતી અને શરૂઆતથી જ MIના ઓપનર્સ પર દબાણ વધાર્યું હતું. તેની પહેલી બે ઓવરમાં કુલ 11 ડોટ બોલ હતા, જેના કારણે એમેલિયા કેર અને જી. કમાલિની ખુલ્લેઆમ સંઘર્ષ કરતી જોવા મળી. બેલ સામે રન બનાવવું મુંબઈના બેટ્સમેનો માટે મુશ્કેલ બની ગયું હતું.
ચાર ઓવરના પોતાના સ્પેલમાં લોરેન બેલે ફક્ત 14 રન આપ્યા, 19 ડોટ બોલ ફેંક્યા અને એક મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી. તેણે એમેલિયા કેરને આઉટ કરી, જેઓ 15 બોલમાં માત્ર 4 રન બનાવી શકી હતી. બેલની શિસ્તબદ્ધ અને સચોટ બોલિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સ પાવરપ્લે દરમિયાન પણ ઝડપથી સ્કોર આગળ વધારી શક્યું નહીં.
6 ફૂટ 2 ઇંચ ઊંચી લોરેન બેલ પોતાની ઊંચાઈનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. તે હાર્ડ લેન્થ પર બોલ ફેંકીને વધારાનો બાઉન્સ પેદા કરે છે, જે બેટ્સમેનો માટે રમવું મુશ્કેલ બની જાય છે. આ મેચમાં પણ તેની લાઇન, લેન્થ અને ઊંચાઈના સંયોજનએ MIની બેટિંગને સંપૂર્ણપણે બાંધી રાખી.
WPLમાં આ લોરેન બેલની પહેલી મેચ હતી, પરંતુ પ્રદર્શન એવું રહ્યું કે તેણે તરત જ પોતાની હાજરી નોંધાવી દીધી. તેની પ્રભાવશાળી શરૂઆતથી RCB મજબૂત સ્થિતિમાં આવી ગયું, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધતી અટકી ગઈ. ડેબ્યૂ મેચમાં જ લોરેન બેલે સાબિત કરી દીધું કે તે WPL 2026માં ધ્યાન ખેંચનારી બોલર બનવાની છે.
WPL 2026ની શરૂઆતની મેચમાં જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી બહાર