
IPL 2025ની 44મી મેચમાં એક રમુજી ઘટના જોવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ દરમિયાન વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે મેચ રોકવી પડી. જોકે, પછી મેદાન પર એક ગીત વાગ્યું જેણે સ્ટેન્ડમાં બેઠેલા ચાહકોનો ઉત્સાહ વધારી દીધો. સામાન્ય રીતે વરસાદને કારણે ચાહકોના ચહેરા પર નિરાશા જોવા મળે છે. પરંતુ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડીજેએ આખું વાતાવરણ બદલી નાખ્યું.
આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની પહેલી ઓવર પછી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદને કારણે અમ્પાયરે રમત અટકાવવાનો નિર્ણય લીધો. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મેદાન પર કવર લાવવામાં આવ્યા હતા. પછી ડીજેએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ‘ટિપ ટિપ બરસા પાણી’ ગીત વગાડ્યું. આ ગીત વાગતા જ ચાહકોનો ઉત્સાહ વધી ગયો અને તેઓ આ વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
વરસાદને કારણે રમત બંધ થાય તે પહેલા પંજાબ કિંગ્સે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 49 બોલમાં 83 રન બનાવ્યા હતા. જ્યારે પ્રિયાંશ આર્યએ 35 બોલમાં 69 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી પણ થઈ હતી. આ પછી કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 25 રન બનાવીને ટીમનો સ્કોર 200 ને પાર પહોંચાડ્યો હતો.
બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે વૈભવ અરોરા આ ઈનિંગમાં સૌથી સફળ બોલર રહ્યો. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 34 રન ખર્ચ્યા અને 2 બેટ્સમેનની વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી. પરંતુ ચેતન સાકરીયા અને હર્ષિત રાણા એકદમ મોંઘા સાબિત થયા હતા. અનુભવી બોલર સુનીલ નારાયણ પણ આ મેચમાં સફળતા મેળવી શક્યો નહીં.
આ પણ વાંચો: IPL 2025 : KKR ફેન્સમાં ભારે નિરાશા, સતત બીજી મેચમાં ઈડન ગાર્ડન્સમાં સીટ ખાલી
Published On - 10:42 pm, Sat, 26 April 25