ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ (Australian Cricket Team) ના કોચ જસ્ટિન લેંગરે (Justin Langer) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ જાણકારી તેમની મેનેજમેન્ટ કંપનીએ શનિવારે આપી હતી. ડાયનેમિક સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપે જાહેરાત કરી છે કે જસ્ટિન લેંગરે ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. લેંગરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સાથે લાંબી બેઠક બાદ શુક્રવારે સાંજે રાજીનામું આપ્યું હતું. પૂર્વ ક્રિકેટર જસ્ટિન લેંગર વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયન ટીમ ના કોચ બન્યા હતા. તેમના કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ અને એશિઝમાં 4-0થી જીત જેવી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી.
અગાઉ, જસ્ટિન લેંગરે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવતા બોનસની ઓફરને ઠુકરાવી દીધી હતી. કારણ કે તેમનું માનવું હતું કે એવા સમયે સ્વીકારવું ‘નૈતિક રીતે અયોગ્ય’ હશે જ્યારે ક્રિકેટ બોર્ડે કોરોનાના કારણે ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જસ્ટિન લેંગરના કોચિંગમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો અને પછી એશિઝ પર પણ કબજો કર્યો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના કોચને બોનસ આપવામાં આવી રહ્યું હતુ.
ઓસ્ટ્રેલિયન ટીમ માર્ચમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે. ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પ્રવાસ 24 વર્ષ બાદ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક પ્રવાસ પહેલા મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું રાજીનામું ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે જસ્ટિન લેંગરની ડીલ જૂન સુધી હતી. પરંતુ, તેનો કરાર પૂરો થતાં પહેલા તેનું રાજીનામું દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં બધુ બરાબર નથી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ જસ્ટિન લેંગરના કોચિંગ વિશે કહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મુખ્ય કોચનો કરાર વધારવો જોઈએ. જો લેંગર સાથેના સફળ કાર્યકાળ પછી પણ તેને આગળ વધારવામાં નહીં આવે, તો તે રમત ‘મૂર્ખ’ જણાશે.
જો કે જસ્ટિન લેંગરના રાજીનામા બાદ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એન્ડ્રુ મેકડોનાલ્ડને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મેકડોનાલ્ડે IPLમાં રાજસ્થાન રોયલ્સની એક સિઝન માટે કોચ તરીકે પણ સેવા આપી છે. જો કે, રાજસ્થાન ફ્રેન્ચાઈઝી દ્વારા તેને એક સિઝન પછી પડતો મૂકવામાં આવ્યો હતો.
Published On - 8:35 am, Sat, 5 February 22