
ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ચાર વર્ષથી વધુ સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યો છે. લોર્ડ્સ ટેસ્ટમાં ભારત સામે આર્ચરની વાપસી એકંદરે સારી રહી છે. આર્ચરે પોતાની પહેલી જ ઓવરમાં ભારતના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને આઉટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, આ શાનદાર પ્રદર્શન વચ્ચે આર્ચરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તે વિવાદોમાં આવી શકે છે.
ચાર વર્ષથી વધુ સમય સુધી ઈજાઓ અને ફિટનેસ સમસ્યાઓ સામે ઝઝૂમ્યા બાદ આર્ચરે પોતાના પહેલા જ સ્પેલમાં બતાવ્યું કે તે હજુ પણ એક ઘાતક બોલર છે. આક્રમક બેટિંગ માટે જાણીતા યશસ્વી જયસ્વાલને આર્ચરે પોતાની ઝડપી ગતિ અને સચોટ લાઇન-લેન્થથી આઉટ કરી કાઢ્યો હતો. આર્ચરનું પુનરાગમન ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે મોટી રાહત છે.
જો કે, આર્ચરની શાનદાર વાપસી વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હવે વિવાદ વધ્યો છે. આ વીડિયોમાં આર્ચર પોતાની સોનાની ચેઈન પર બોલ ઘસતો જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે, આ ICC નિયમોનું ઉલ્લંઘન છે કારણ કે બોલની સપાટીને બાહ્ય વસ્તુથી ઘસવી એ બોલ ટેમ્પરિંગની શ્રેણીમાં આવે છે. આવું કરવાથી બોલ પર ખાસ અસર પડે છે, જે રિવર્સ સ્વિંગ માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરી શકે છે.
https://t.co/h039Y7Qofj pic.twitter.com/45MNRqS9wW
— Bishontherockz (@BishOnTheRockx) July 11, 2025
સોશિયલ મીડિયા પર ચાહકોએ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકો તેને ગંભીર ઉલ્લંઘન માની રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે તે એક નાનું કૃત્ય હતું, જે અજાણતામાં કરવામાં આવ્યું હોઈ શકે છે. નોંધનીય છે કે, આર્ચરે લોર્ડ્સ ટેસ્ટમાં હજુ સુધી આવું કંઈ કર્યું નથી.
ICC ના નિયમો અનુસાર, બોલની સપાટીને કોઈપણ બાહ્ય પદાર્થ અથવા વસ્તુથી બદલવાની સખત મનાઈ છે. ખેલાડીઓ બોલને ચમકાવવા માટે ફક્ત પરસેવાનો ઉપયોગ કરી શકે છે અને તે પણ અમ્પાયરની દેખરેખ હેઠળ. ચેઈન જેવી કોઈપણ ધાતુની વસ્તુથી બોલને ઘસવું એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને તેના કારણે દંડ, મેચ ફી કાપવી અથવા પ્રતિબંધ સહિતની ગંભીર સજા થઈ શકે છે.
Published On - 8:10 pm, Sat, 12 July 25