ઈશાન કિશને કારકિર્દી બચાવવા લીધો મોટો નિર્ણય, હવે આ વિદેશી ટીમ માટે ક્રિકેટ રમશે

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા ભારતના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને મોટો નિર્ણય લીધો છે. તે ટૂંક સમયમાં નવી ટીમ માટે રમતા જોવા મળશે. જોકે, તેણે આ ટીમ માટે 2 મેચ રમવા માટે ટૂંકા ગાળાનો કરાર કર્યો છે.

ઈશાન કિશને કારકિર્દી બચાવવા લીધો મોટો નિર્ણય, હવે આ વિદેશી ટીમ માટે ક્રિકેટ રમશે
Ishan Kishan
Image Credit source: Getty Images
| Updated on: Jun 20, 2025 | 10:53 PM

ભારતના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. તેણે ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં રમી હતી. તાજેતરમાં જ તેને ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ઈશાનને આ શ્રેણીમાં પણ રમવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં, ઈશાન કિશનએ તેના ભવિષ્યને જોતા એક મોટો નિર્ણય લીધો છે. ઈશાન કિશન ટૂંક સમયમાં નવી ટીમ માટે રમતા જોવા મળશે.

ઈશાન કિશન કાઉન્ટી ક્રિકેટમાં રમશે

ભારતના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે નોટિંગહામશાયર સાથે ટૂંકા ગાળાનો કરાર કર્યો છે. આ કરાર બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે છે, જેમાં તે દક્ષિણ આફ્રિકાના કાયલ વેરિનની જગ્યાએ રમશે, જે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણી માટે રાષ્ટ્રીય ફરજ પર હશે. 26 વર્ષીય ઈશાન પહેલીવાર ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમશે.

નોટિંગહામશાયર માટે બે મેચમાં ભાગ લેશે

આક્રમક બેટિંગ અને શાનદાર વિકેટકીપિંગ માટે જાણીતા ઈશાન કિશન નોટિંગહામશાયર માટે બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમશે. આ મેચ 22 જૂને ટ્રેન્ટ બ્રિજ ખાતે યોર્કશાયર સામે અને 29 જૂને ટોન્ટનમાં સમરસેટ સામે રમાશે. ઈશાનનું આ પગલું ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યા બાદ આવ્યું છે. તેના સ્થાને ધ્રુવ જુરેલને પસંદગી આપવામાં આવી હતી, ત્યારબાદ ઈશાને કાઉન્ટી ક્રિકેટ દ્વારા તેના રેડ-બોલ ક્રિકેટમાં વધુ સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

 

કિશન કાઉન્ટીમાં રમવા માટે આતુર

નોટિંગહામશાયરમાં જોડાવા અંગે, ઈશાન કિશને કહ્યું, ‘ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાની પહેલી તક મળવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું અને તે મારી કુશળતા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક હશે. હું ખાતરી કરવા માંગુ છું કે હું શ્રેષ્ઠ ક્રિકેટર બની શકું અને ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રમવાથી મને ખરેખર નવી કુશળતા શીખવામાં મદદ મળશે. ટ્રેન્ટ બ્રિજ એક એવું મેદાન છે જે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, અને હું ખરેખર ઉત્સાહિત છું કે હું ત્યાં રમીશ.’

ઈશાનની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી

તમને જણાવી દઈએ કે, ઈશાને તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 58 મેચોમાં 3447 રન બનાવ્યા છે, જેમાં આઠ સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની શ્રેષ્ઠ ઈનિંગ 2016માં દિલ્હી સામે ઝારખંડ માટે 273 રન હતી, જે તે સમયે રણજી ટ્રોફીમાં ઝારખંડનો રેકોર્ડ સ્કોર હતો.

આ પણ વાંચો: Breaking News : શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં ફટકારી સદી , ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર આ અદ્ભુત સિદ્ધિ મેળવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:53 pm, Fri, 20 June 25