IPLની 10 ટીમો કાલે જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી, જાણો ક્યારે થશે જાહેરાત
IPL 2027ની મીની હરાજી પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ 17 નવેમ્બરે પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે. જોકે, આ યાદીઓ જાહેર કરવા માટે BCCIએ કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો નથી. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે ટીમો સાંજે 5 વાગ્યા પછી જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, ટ્રેડ વિન્ડો હેઠળ અત્યાર સુધીમાં 10 ખેલાડીઓની ટીમો બદલાઈ છે.

IPL 2027 માટે તમામ 10 ટીમોની રિટેન્શન અને રિલીઝ લિસ્ટ મંગળવાર, 17 નવેમ્બરે જાહેર થશે. BCCIએ આ માટે અંતિમ તારીખ નક્કી કરી છે, પરંતુ જાહેરાતનો ચોક્કસ સમય નક્કી કર્યો નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે મીની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. તે પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની સત્તાવાર યાદી BCCIને સોંપવાની રહેશે. ટીમો આ યાદી પોતાની વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ જાહેર કરશે.
સાંજે 5 વાગ્યા પછી રિટેન્શન-રિલીઝ લિસ્ટ જાહેર થશે
છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે, ફ્રેન્ચાઇઝીઓ સામાન્ય રીતે સાંજે 5 વાગ્યા પછી રિટેન્શન અને રિલીઝ લિસ્ટ જાહેર કરે છે. આ વખતે પણ સાંજના સમયે જાહેરાત થવાની શક્યતા છે. જોકે, BCCI તરફથી કોઈ નિશ્ચિત સમય જાહેર કરવામાં આવ્યો નથી. એટલે ચાહકોએ ટીમોની સત્તાવાર જાહેરાત પર નજર રાખવી પડશે.
સ્ટાર ખેલાડીઓની ટીમ બદલાઈ
રિટેન્શન લિસ્ટ પહેલાં જ ટ્રેડ વિન્ડો હેઠળ 10 ખેલાડીઓની ટીમોમાં ફેરફાર થયો છે. રિષભ પંત લખનૌથી દિલ્હી, જ્યારે કુલદીપ યાદવ દિલ્હીથી લખનઉ પહોંચ્યા છે. ટી નટરાજન દિલ્હીથી હૈદરાબાદ અને ઝીશાન અંસારી હૈદરાબાદથી દિલ્હી ગયા છે. લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ હૈદરાબાદથી ચેન્નાઈ, જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ ચેન્નાઈથી હૈદરાબાદમાં જોડાયા છે.
ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ટ્રેડ ડીલ
આ ઉપરાંત, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ સિંહ પંજાબથી મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા છે. બંને ખેલાડીઓનો પગાર 18 કરોડ રૂપિયા છે. ટ્રેડના નિયમો હેઠળ ફ્રેન્ચાઇઝીઓ પરસ્પર વાટાઘાટો કરીને ખેલાડીઓની આપ-લે કરી શકે છે. રોકડ સોદો પણ શક્ય છે અને ખેલાડીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. હવે 17 નવેમ્બરે જાહેર થનારી યાદીથી સ્પષ્ટ થશે કે કઈ ટીમે કયા ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને કોને મુક્ત કર્યા છે.
