Breaking News : IPL 2026 ફાઇનલમાં RCB ના કેપ્ટન અને અમ્પાયર વચ્ચે થઈ બબાલ, આ વાત પર થયો વિવાદ

IPL 2026 ફાઇનલમાં RCB-GT મેચ દરમિયાન કેચ વિવાદે ભારે ચર્ચા જગાવી. વોશિંગ્ટન સુંદરના કેચ પર થર્ડ અમ્પાયરે બોલ જમીનને સ્પર્શ્યો હોવાનું જણાવી નોટઆઉટ આપ્યો.

Breaking News : IPL 2026 ફાઇનલમાં RCB ના કેપ્ટન અને અમ્પાયર વચ્ચે થઈ બબાલ, આ વાત પર થયો વિવાદ
| Updated on: May 31, 2026 | 9:42 PM

IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક કેચને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદાર અને અમ્પાયર વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી.

ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નહોતી. ટીમે શરૂઆતમાં જ ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી અને દબાણમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન ચોથી વિકેટ પણ પડતી હોય તેમ લાગતું હતું, પરંતુ થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ આખી મેચનું દ્રશ્ય બદલાઈ ગયું.

જોર્ડન કોક્સના કેચ પર ઊભો થયો વિવાદ

આ ઘટના ગુજરાતની ઇનિંગની 10મી ઓવરના છેલ્લાં બોલ પર બની હતી. RCB તરફથી જેકબ ડફી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે વોશિંગ્ટન સુંદરે એક ઊંચો શોટ રમ્યો. ડીપ ફાઇન લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા સબસ્ટિટ્યૂટ ખેલાડી જોર્ડન કોક્સે આગળ ડાઇવ મારીને શાનદાર કેચ પકડ્યો હતો.

પ્રથમ નજરે કેચ સંપૂર્ણપણે યોગ્ય લાગતો હતો અને વોશિંગ્ટન સુંદર પણ પેવેલિયન તરફ પરત ફરવા લાગ્યો હતો. જોકે, ઓન-ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને કેચ અંગે શંકા વ્યક્ત કરતાં મામલો થર્ડ અમ્પાયરને મોકલ્યો હતો. રિપ્લેમાં એવું જણાતું હતું કે કેચ લેતી વખતે બોલ કદાચ જમીનને સ્પર્શ્યો હોઈ શકે.

થર્ડ અમ્પાયરે વિવિધ એંગલમાંથી રિપ્લે જોયા બાદ નિર્ણય આપ્યો કે બોલે કેચ દરમિયાન ઘાસને હળવો સ્પર્શ કર્યો હતો. પરિણામે કેચને અમાન્ય જાહેર કરવામાં આવ્યો અને વોશિંગ્ટન સુંદરને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. તે સમયે સુંદર માત્ર 7 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો હતો.

રજત પાટીદાર અમ્પાયર સાથે ચર્ચામાં જોડાયા

થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી RCBના ખેલાડીઓ અસંતોષમાં જોવા મળ્યા હતા. કેપ્ટન રજત પાટીદારે પણ અમ્પાયર નીતિન મેનન સાથે ચર્ચા કરી હતી અને નિર્ણયના આધાર વિશે પૂછપરછ કરી હતી. મેદાન પર થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

જૂની ઘટનાની યાદ અપાવી RCBએ

RCBના ખેલાડીઓની નારાજગી પાછળ એક જૂની ઘટના પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. 30 એપ્રિલે અમદાવાદમાં રમાયેલી RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની લીગ મેચમાં પણ આવો જ વિવાદ થયો હતો.

તે મેચ દરમિયાન રજત પાટીદારનો કેચ ગુજરાતના જેસન હોલ્ડરે ડીપ ફાઇન લેગ નજીક પકડ્યો હતો. રિપ્લેમાં હોલ્ડરનો હાથ બોલ સાથે જમીનને સ્પર્શતો હોવાનું જોવા મળ્યું હતું. તેમ છતાં, તે સમયે થર્ડ અમ્પાયરે કેચને માન્ય ગણાવ્યો હતો અને પાટીદારને આઉટ જાહેર કર્યો હતો.

આ નિર્ણયને લઈને પણ RCBના ખેલાડીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિરાટ કોહલી સહિત અનેક ખેલાડીઓ અમ્પાયર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. ફાઇનલમાં બનેલી તાજી ઘટના બાદ RCBના ખેલાડીઓએ ફરી એકવાર સમાન પ્રકારના નિર્ણયમાં અલગ પરિણામ કેમ આવ્યું તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.

આ કેચ વિવાદ IPL 2026ની ફાઇનલની સૌથી ચર્ચિત ઘટનાઓમાંની એક બની ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ ચાહકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો

Follow Us