સરકાર બદલતા બાંગ્લાદેશે અપનાવ્યું નરમ વલણ , IPL પરનો જૂનો નિર્ણય પાછો ખેંચાયો

આ વર્ષની શરૂઆતમાં જ BCCIના કહેવાથી બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તત્કાલીન બાંગ્લાદેશી સરકારે ભારત વિરોધી વલણ અપનાવ્યું અને IPL પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો.

સરકાર બદલતા બાંગ્લાદેશે અપનાવ્યું નરમ વલણ , IPL પરનો જૂનો નિર્ણય પાછો ખેંચાયો
| Edited By: | Updated on: Mar 28, 2026 | 3:08 PM

બાંગ્લાદેશમાં જ્યારથી નવી સરકાર બની છે ત્યારથી નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી બાંગ્લાદેશની ભારત પ્રત્યેની કડવાશ ઓછી થતી દેખાઈ રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર ‘ક્રિકેટ ડિપ્લોમસી’નો આશરો લઈ રહી છે. ભારત સાથે ફરીથી સિરીઝનું આયોજન કરવાનો ઇરાદો વ્યક્ત કર્યા પછી, બાંગ્લાદેશ સરકારે IPL 2026 ના પ્રસારણ પરનો પ્રતિબંધ હટાડવાનો એક મોટો નિર્ણય લીધો છે.

આજથી IPLની 19મી સીઝનની શરૂઆત

શનિવાર 28 માર્ચથી IPLની 19મી સીઝનની શરૂઆત થઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે દેશમાં વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગના પ્રસારણને ફરીથી અધિકૃત કરી દીધી છે. આનાથી બાંગ્લાદેશમાં લાખો IPL ચાહકો ફરી એકવાર લીગનો આનંદ માણી શકશે. આ નિર્ણયને આગામી IPL સીઝન માટે બાંગ્લાદેશી ખેલાડીઓની વાપસી તરફનું એક પગલું પણ ગણી શકાય છે.

 

IPL ના પ્રસારણ પર નહીં લાગે પ્રતિબંધ

બાંગ્લાદેશ સરકારના નવા માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વપને જાહેરાત કરી કે IPL ના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પ્રસારણ કંપની કે ચેનલ IPL ના પ્રસારણ માટે તેમની પાસે અરજી કરે છે, તો તેઓ તેને નકારશે નહીં, કારણ કે સરકાર રમતગમત અને રાજકારણને જોડાવા નથી માંગતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જો IPL ના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ બાંગ્લાદેશમાં લીગનું પ્રસારણ કરવા માંગે છે, તો તેઓ કરી શકે છે. આ માટે સરકાર કોઈને દબાણ કરશે નહીં.

 

પ્રસારણ પર પ્રતિબંધ ક્યારે લાદવામાં આવ્યો

તાજેતરની ચૂંટણીઓ પછી રચાયેલી નવી સરકારનો આ નિર્ણય બગડતા ભારત-બાંગ્લાદેશ સંબંધોને પુનઃસ્થાપિત કરવા તરફ લેવામાં આવેલા પગલાંઓમાંનું એક છે. જાન્યુઆરીની શરૂઆતમાં BCCIના કહેવાથી કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કર્યો હતો ત્યારે હોબાળો મચી ગયો હતો. તે સમયે, બાંગ્લાદેશની સરકારના રમતગમત મંત્રીથી લઈને પ્રસારણ મંત્રી સુધી બધાએ ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશી ટીમે જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં નહીં રમે. જેના પરિણામે તેઓ ટુર્નામેન્ટમાંથી ખસી ગયા અને IPL પ્રસારણ પણ સ્થગિત કરવામાં આવ્યું.

2017ની યાદો ફરી તાજી; આ બંને ટીમો ફરી આવી રહી છે ઓપનિંગ કરવા, જુઓ કોણ બદલશે ઈતિહાસ, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 3:08 pm, Sat, 28 March 26

Follow Us