
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરી ક્લાસેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 60 ODI અને 58 T20I મેચ રમી છે. તેણે ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે, પરંતુ હવે તે ક્યારેય તેના દેશની જર્સીમાં જોવા મળશે નહીં. જોકે, તે લીગ મેચોમાં રમતો રહેશે. હેનરી ક્લાસેન IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.
હેનરી ક્લાસેને ઈન્સ્ટાગ્રામ પર તેની નિવૃત્તિની જાહેરાત કરી. તેણે લખ્યું, “આ મારા માટે દુઃખદ દિવસ છે, કારણ કે મેં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં મારા અને મારા પરિવાર માટે શું શ્રેષ્ઠ રહેશે તે નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. તે ખરેખર ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ હું મારી કારકિર્દીથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. દેશ માટે રમવું એ ખૂબ જ સન્માનની વાત છે. મારું બાળપણનું સ્વપ્ન હતું કે હું દક્ષિણ આફ્રિકા માટે રમું છું જે હવે પૂર્ણ થયું છે.”
ક્લાસેને આગળ લખ્યું, “મેં સારી મિત્રતા અને સંબંધો બનાવ્યા છે જેને હું મારા બાકીના જીવનભર યાદ રાખીશ. દેશ માટે રમવાથી મને એવા મહાન લોકોને મળવાની તક મળી, જેમણે મારું જીવન બદલી નાખ્યું અને હું તેમનો આભાર માનું છું. દેશ માટે રમવું એ મારી કારકિર્દીનું સૌથી મોટું સન્માન હતું અને હંમેશા રહેશે. હું મારા પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે ઉત્સાહિત છું. મને ટેકો આપવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
ગયા વર્ષે T20I વર્લ્ડ કપની ફાઈનલમાં આ 33 વર્ષીય બેટ્સમેને શાનદાર બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા સામેની આ મેચમાં તેણે 27 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. જ્યાં સુધી તે ક્રીઝ પર હતો ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાની જીતની આશા હતી, પરંતુ તે આઉટ થતા જ આખી ટીમ તૂટી પડી અને ટીમ ઈન્ડિયાએ 6 રનથી મેચ જીતીને ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.
હેનરી ક્લાસેન દક્ષિણ આફ્રિકા માટે માત્ર 4 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે 13ની સરેરાશથી 104 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે આફ્રિકા માટે 60 ODI મેચ રમી છે. ODIમાં તેણે 43.69ની સરેરાશથી 2141 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. ક્લાસેન દક્ષિણ આફ્રિકા માટે 58 T20 મેચ રમ્યો છે. T20માં તેણે 23.25ની સરેરાશથી 1 હજાર રન બનાવ્યા છે. જેમાં 5 અર્ધશતકનો સમાવેશ થાય છે.
હેનરી ક્લાસેન IPL માં ત્રણ ટીમો માટે રમી ચૂક્યો છે. હાલમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં સામેલ છે. આ સિઝનમાં તેણે 14 મેચ રમી, જેમાં તેણે 44.27ની સરેરાશથી 487 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. જ્યાં સુધી તેના IPL કારકિર્દીની વાત છે, તેણે અત્યાર સુધીમાં 49 મેચ રમી છે. જેમાં તેણે 40ની સરેરાશથી 1480 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Rinku-Priya engagement : સાંસદ પ્રિયા સાથે સગાઈ પહેલા રિંકુનો પરિવાર 3 કરોડના આલીશાન બંગલામાં શિફ્ટ થયો