IPL 2025 : ’16 વર્ષ પહેલા’… પ્રીતિ ઝિન્ટાએ યુઝવેન્દ્ર ચહલ માટે પોતાના દિલની વાત કહી

પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ યુઝવેન્દ્ર ચહલ માટે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ પોસ્ટ કર્યો છે, જેણે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને જીત અપાવવામાં મદદ કરી હતી. પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2009માં યુઝવેન્દ્ર ચહલ સાથેની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે અને પોતાના દિલની વાત કહી હતી.

IPL 2025 : 16 વર્ષ પહેલા... પ્રીતિ ઝિન્ટાએ યુઝવેન્દ્ર ચહલ માટે પોતાના દિલની વાત કહી
Yuzvendra Chahal & Preity Zinta
Image Credit source: PTI
| Updated on: Apr 17, 2025 | 7:59 PM

પંજાબ કિંગ્સે અત્યાર સુધી IPL 2025માં પોતાના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસેથી જીત છીનવી લીધી હતી. પંજાબે ફક્ત 111 રન બનાવ્યા અને તેમ છતાં ટીમ મેચ જીતી ગઈ. પંજાબની જીતમાં યુઝવેન્દ્ર ચહલે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે ચાર વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. આ જીતના હીરો રહેલા ચહલને હવે ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ સલામ કરી છે. ચહલની પ્રશંસા કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે મોટા ખેલાડીઓ મુશ્કેલીઓ આવે ત્યારે જ પોતાની તાકાત બતાવે છે.

પ્રીતિ ઝિન્ટાએ પોતાના દિલની વાત કહી દીધી

પ્રીતિ ઝિન્ટાએ યુઝવેન્દ્ર ચહલ સાથેનો 16 વર્ષ જૂનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘હું 2009માં કિંગ્સ કપ દરમિયાન ચંદીગઢમાં યુઝીને મળી હતી. યુઝવેન્દ્ર ક્રિકેટમાં નવો હતો અને એક યુવાન અંડર-19 ક્રિકેટર હતો. વર્ષોથી મેં તેને મોટો થતો અને ક્રિકેટ જગતના સૌથી શક્તિશાળી ખેલાડીઓમાંનો એક બનતો જોયો છે. મને મેદાન પર તેનો લડાયક અંદાજ ગમે છે અને હું હંમેશા ઈચ્છતી હતી કે તે અમારી ટીમમાં હોય, પરંતુ કોઈ કારણોસર તે અત્યાર સુધી શક્ય બન્યું નહીં.’

 

પ્રીતિ ઝિન્ટા વર્ષોથી યુઝીની મોટી ફેન

પ્રીતિ ઝિન્ટાએ આગળ લખ્યું, ‘અમારી છેલ્લી મેચ એનું ઉત્તમ ઉદાહરણ હતું કે હું વર્ષોથી યુઝીની આટલી મોટી ચાહક કેમ છું અને જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય છે, ત્યારે મોટા ખેલાડીઓ કેવી રીતે ટોચ પર આવે છે. યુઝવેન્દ્ર ચહલ, મને ખૂબ આનંદ છે કે તમે આખરે તમારા સ્થાન પર પાછા આવી ગયા છો. હું હંમેશા તમને હસતા અને ચમકતા જોવા માંગુ છું.’

IPL 2025માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન

પંજાબ કિંગ્સ આ સિઝનમાં 6 માંથી 4 મેચ જીતીને ચોથા નંબરે છે. પંજાબે તેની આગામી મેચ બેંગલુરુમાં RCB સામે રમવાની છે. પંજાબ કિંગ્સની આ મેચ 18 એપ્રિલે રમાશે. પંજાબ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો પંજાબ જીતી જશે તો પોઈન્ટ ટેબલમાં તેનું સ્થાન સુધરશે.

આ પણ વાંચો: DC vs RR : ‘તે પોતાના માટે રમે છે’… ચેતેશ્વર પૂજારાએ કેએલ રાહુલ પર ગંભીર આરોપ લગાવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો